તહેવારો દરમ્યાન છ વ્યકિત અપમૃત્યુમાં ભરખાયા

ભુજ, તા. 25 : જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન માર્ગ અકસ્માત અને આત્મહત્યાના જુદા જુદા કિસ્સામાં છ વ્યકિત મોતના મુખમાં ધકેલાયા હતા. મૃતક હતભાગીમાં ચાર યુવાન, એક મહિલા અને એક તરુણનો સમાવેશ થાય છે.  - આહીર યુવાનનું મૃત્યુ  : ભુજ તાલુકામાં નાના વરનોરા ગામથી ઝીંકડી તરફ જતા માર્ગ ઉપર રોજી માતાજીના મંદિર પાસે શીતળા સાતમના ઢળતી બપોરે જીવલેણ અકસ્માત થયો હતો. પોલીસે આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે જી.જે. 12-ડી.એચ.-1212 નંબરની પલ્સર બાઇક આ ઘટનામાં જી.જે.09-વી.- 8923 નંબરની ટ્રક તળે આવી જતાં બાઇકના ચાલક સુનીલ હરિભાઇ ગાગલ (ઉ.વ.19)ને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જ્યારે દ્વિચક્રીના સહસવાર સચિન શામજીભાઇ ગાગલને ડાબા પગ અને સાથળમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક છોડીને નાસી ગયો હતો. આ ચાલક સામે ઇજાગ્રસ્ત સચિનના કાકા જવાહરનગર ગામના નરશી વેલા ગાગલે ફરિયાદ લખાવી હતી. પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  - મુંદરાના ક્ષત્રિય મહિલાનું મૃત્યુ  : બીજીબાજુ મુંદરા નગરની ભાગોળે ગુંદાલા રોડ ઉપર જી.જે.12-સી.એફ.-0816 નંબરની બાઇકના સર્જાયેલા અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના પરિણામે મુંદરાના સરોજબા વનરાજાસિંહ જાડેજાની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. પોલીસે મરનારના પુત્ર મુંદરામાં ગુંદાલા રોડની સામે કલાપૂર્ણમ નગરમાં રહેતા જિતેન્દ્રાસિંહે લખાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 18મીના બપોરે આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયા બાદ શુક્રવારે મોડીસાંજે આ બાબતે બાઇકના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  - આશાસ્પદ યુવાન ભરખાયો  : દરમ્યાન મુંદરા તાલુકામાં દેશલપર (કંઠી) નજીક બાઇક સાથે કોઇ અજાણ્યા વાહનના થયેલા અકસ્માતમાં માંડવી તાલુકાના મોટી રાયણ ગામના આશાસ્પદ યુવાન વિનોદ નાગશી રોશિયા (ઉ.વ.36)નો જીવનદીપ બુઝાયો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ અદાણી કંપનીમાં રસાયણશાત્ર વિભાગમાં છેલ્લા સાતેક વર્ષથી ફરજ બજાવતો હતભાગી વિનોદ સવારે નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે તેને આ જીવલેણ અકસ્માત નડયો હતો. તેને હોસ્પિટલે લઇ જવાયો ત્યારે ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અકસ્માત બાદ નસાડી જવાયેલા અજ્ઞાત વાહનના ચાલક સામે ગુનો દાખલ કરી પોલીસે તેની શોધ હાથ ધરી છે. આ કરુણ અકસ્માતની જાણ થતાં મૃતક વિનોદના માસા માજી ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, પરિવારજન નરેશભાઇ મહેશ્વરી, બાબુભાઇ સીજુ, માંડવી સમાજના પ્રમુખ વગેરે હોસ્પિટલે દોડી ગયા હતા.  - વાગડમાંયે જીવલેણ અકસ્માત  : આ વચ્ચે અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ પૂર્વ કચ્છમાં ભચાઉ તાલુકામાં આધોઇ અને હલરા વચ્ચે આધોઇ ગામની નદીની પાપડીમાં બાઇક પડી જતાં ખોડા વિરમ રબારી (ઉ.વ.20)એ જીવ ગુમાવ્યો હતો. પોલીસમાં મોડેથી નોંધાયેલા બે દિવસ જૂના આ કિસ્સાની સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ શિકારપુર ગામનો ખોડા રબારી અને ગાંધીધામ શહેરમાં ગોપાલપુરી વિસ્તારમાં રહેતો કાનજી ઉર્ફે વિભા સામત રબારી વોંધડા ગામે ઉગાભાઇ નામની વ્યકિતના લગ્નમાં ગયા હતા. લગ્નની જાન ગમડાઉ ગામે જવાની હતી જેમાં સામેલ થવા માટે ખોડા અને કાનજી જી.જે.12-વી.પી.-8058 નંબરની બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે આધોઇની તુટેલી પાપડીમાં બાઇક અકસ્માતે ખાબકતાં તેમને આ પ્રાણઘાતક અકસ્માત નડયો હતો. બન્ને જણને સારવાર માટે દવાખાને ખસેડાયા બાદ ખોડાએ દમ તોડયો હતો. અકસ્માત બાબતે માના નારાણ રબારીએ ફરિયાદ લખાવી હતી.  - નખત્રાણાના યુવાને જીવ ખોયો  : જીવલેણ માર્ગ અકસ્માતની અન્ય એક ઘટનામાં નખત્રાણા તાલુકામાં જાડવા ગામ પાસે બાઇક અને છકડા વચ્ચે પ્રાણઘાતક અકસ્માતની ઘટના બની હતી. આ કિસ્સામાં નખત્રાણાના બાઇકચાલક ઇશ્વર બાબુ કોળી (ઉ.વ.20)એ ગંભીર ઇજાઓ થવા સાથે જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વધુ સારવાર માટે અમદાવાદ લઇ જતી વેળાએ આ હતભાગીએ દમ તોડયો હતો. નખત્રાણા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.  - ગાંધીધામના તરુણનો આપઘાત  : આ ઉપરાંત વિકસિત નગર ગાંધીધામ ખાતે પ્રહલાદ શંકર સોલંકી (ઉ.વ.17) નામના તરુણની અકળ આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સાધનોએ આ વિશે આપેલી જાણકારી અનુસાર કાર્ગો ઝૂંપડા એકતાનગર ખાતે રહેતા પ્રહલાદના પિતા કામે ગયા હતા અને માતા સંબંધીના ઘરે ગયા હતા ત્યારે તેણે પાછળથી આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આડીમાં રસ્સી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળેલો આ કિશોર અસ્થિર મગજનો હતો અને તેની આ બાબતે દવા પણ ચાલુ હતી તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer