જેલમાં જન્મેલી 13 દિવસની બાળા ખાનગી હોસ્પિટલમાંથી ઉઠાવી જવાઇ

ગાંધીધામ, તા. 25 : શિક્ષણનગરી એવા આદિપુરના વંદના ચોક પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી 13 દિવસની બીમાર બાળકીનું કોઇએ અપહરણ કરતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવને પગલે પોલીસ રીતસર ધંધે લાગી હતી. આદિપુરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં જન્મેલા કૃષ્ણને મામા કંસથી બચાવવા વાસુદેવ ગોકુળમાં મૂકી આવ્યા હોવાનું લોકવિદિત છે ત્યારે ગત મોડી રાત્રે હોસ્પિટલમાંથી કુમળી વયની બાળકીનું અપહરણ થતાં ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરના વંદના ચોક નજીક આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 2થી 3ના અરસામાં આ બનાવ બન્યો હતો. પહેલા માળે આવેલી આ હોસ્પિટલમાં બાળકીની માતા ગીતાબેન અરવિંદ સુજા સોલંકી અને દાદી હાજર હતા. મૂળ કીડિયાનગરના અને હાલે મોરબી રહેતા ગીતાબેન અને પરિવારજનો બાળકીને લઇને અહીં આવ્યા હતા. 13 દિવસની આ બાળકી નબળી અને અશક્ત હોવાથી તેને સારવાર હેઠળ રાખવામાં આવી હતી. દરમ્યાન મોડી રાત્રે પહેલા માળે કોઇ શખ્સો ઉપર ચડી આ બાળકીનું અપહરણ કરી જતાં ભારે આશ્ચર્ય સાથે ચકચાર પ્રસરી હતી. ડો. જિતેન્દ્ર સોલંકીની આ હોસ્પિટલમાં સી.સી. ટી.વી. કેમેરા ન હોવાથી પોલીસ પણ ધંધે લાગી છે, ત્યારે હોસ્પિટલનો હાજર સ્ટાફ શું કરતો હતો તે પણ પ્રશ્ન છે. આ બીમાર બાળકીનું કોણે અને કેવા કારણોસર અપહરણ કર્યું છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer