ભુજમાં 256 વર્ષ પહેલાંનો દીક્ષા મહોત્સવ પ્રસંગ ઊજવાયો

ભુજ, તા. 25 : લીંબડી અજરામર સંપ્રદાયના નવસંસ્કરણકર્તા જૈનાચાર્ય અજરામરજી સ્વામી તથા માતા કંકુબાઇ 256 વર્ષ પહેલાં દીક્ષિત થયા હતા, તે દીક્ષા પ્રસંગને ભુજ છ કોટિ સંઘના જૈન ભવન ખાતે ચાતુર્માસ ગાળતા મહાસતીજી તેજસકુમારીજી, હંસશ્રીજી, પરમેશ્વરીજીનાં માર્ગદર્શન હેઠળ 50 કલાકારોએ જીવંતરૂપે રજૂ કર્યું હતું. સંચાલન સમિતિના જગદીશ મહેતા દ્વારા જણાવાયું હતું કે, અઢી કલાક ચાલેલા આ દીક્ષા મહોત્સવના માળાના મણકામાં પડાણામાં જન્મથી માંડીને 6 વર્ષની નાની વયની દીક્ષાના ભાવ 10 વર્ષની નાની  વયે ગુરુદેવ હીરાજી સ્વામી તથા કાનજી સ્વામી પાસે તે ભાવની અભિવ્યક્તિ, દીક્ષા આજ્ઞા પત્રિકા, નિમંત્રણ પત્રિકા, સાથિયાવિધિ, દીક્ષાર્થીની સંયમ શોભાયાત્રા, વરસીદાન, માતા-પિતા, સંઘ, સંપ્રદાયની આજ્ઞા, વેશ પરિવર્તન માટે વિદાય, નાળિયેરની ઉછામણી, પંચમુષ્ટિ લોચ, સંયમ નિર્વાહના છ ઉપકરણોની અર્પણવિધિ, નવદીક્ષિતાનું નામકરણ સહિતના તમામ પ્રસંગોને બાળ તથા યુવા કલાકારો દ્વારા બેનમૂન રીતે રજૂ કરાયા હતા. અજરામરજી સ્વામીના પાત્રમાં આર્યન શેઠ તથા કંકુમાતાના પાત્રમાં હેતલ દોશીએ રજૂઆત કરી હતી. અજરામર કંકુ મહિલા મંડળની તથા સંઘની બહેનોએ સાંજીના તથા અન્ય મંગળ પ્રસંગોમાં ભાગ લીધો હતો. બંને દીક્ષાર્થીઓના ચાંદીના શ્રીફળની ઉછામણી કરાઇ હતી, જેમાં અજરામરજી સ્વામીનાં શ્રીફળનો લાભ નાનુબેન રતિલાલ શેઠ પરિવાર તથા કંકુ માતાના શ્રીફળનો લાભ રમીલાબેન ધીરજલાલ શાહ પરિવારે ચડાવાથી લીધો હતો. સંચાલન સમિતિના જિજ્ઞેશ શાહ, પ્રફુલ દોશી, શીતલ શાહ, નરેશ મહેતા, વસંત ખંડોલ, વનેચંદ મહેતા તથા મહિલા મંડળના સભ્યો રૂપા શાહ, મનીષા મહેતા, જાગૃતિ સંઘવી, ગીતા દોશી, પારૂલ શેઠ, કૃપા દોશી તથા પાઠશાળાના બાળકોએ સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer