વરસામેડી સિક્યુરિટી ગાર્ડના ખૂનનો તાગ મળ્યો

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલી ખાનગી કંપનીના સુરક્ષાકર્મી એવા રામક્રિષ્ન કિશોરી ગૌડ નામના યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો. જ્યારે અન્યને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. વરસાણાની સીમમાં આવેલી કચ્છ કેમિકલ નામની કંપનીમાં ગત તા. 13 અને 14ના રાત્રિએ આ હત્યાનો બનાવ બન્યો હતો. રામક્રિષ્ન નામના સુરક્ષા કર્મીની હત્યા કરાઈ હતી. ચોરીના ઈરાદે કંપનીની દીવાલ કૂદી પાંચથી છ શખ્સોએ આ સુરક્ષાકર્મીની હત્યા નિપજાવી હોવાનું જે-તે સમયે બહાર આવ્યું હતું, જે-તે સમયે ફરિયાદ પણ આજ મુદ્દે થઈ હતી. પોલીસ માટે ગંભીર અને પકડારજનક  એવા આ બનાવમાં ખાખી પરોવાયેલી હતી. દરમ્યાન આ હતભાગી રામક્રિષ્ન સાથે એક જ રૂમમાં રહેતા અને એક જ કંપનીમાં કામ કરતા બે શખ્સો ગુમ જણાયા હતા. આ બન્ને શખ્સો બનાવની રાત બાદ ગુમ થઈ ગયા હતા. તેઓ રામક્રિષ્નની અંતિમવિધિમાં પણ આવ્યા નહોતા, તેવામાં શંકાની સોય તે બાજુ ફંટાતાં પોલીસે તપાસ આગળ વધારી હતી. આ બે શખ્સો પૈકી મધ્યપ્રદેશનો મંગલસિંઘ રાજારામ ગૌડ નામનો શખ્સ અમદાવાદમાં હોવાનું અને ત્યાં મજૂરીકામ કરતો હોવાનું બહાર આવ્યું હતું, તેવામાં પોલીસે ત્યાં જઈ અને આ શખ્સને દબોચી લીધો હતો, તેની પૂછપરછ કરાતાં હત્યાના આ બનાવમાં પોતે અને તેની સાથે નન્હે મોહન ગૌડ સંડોવાયેલા હોવાની કેફિયત આપી હતી. પોતાની સાથે જ કામ કરનાર અને મૃત્યુ પામનાર રામક્રિષ્ન છેલ્લા એકાદ મહિનાનો પગાર રૂા. 8500 નન્હેને આપતો નહોતો. દરમ્યાન બનાવવાળી રાત્રે આ ત્રણેય વચ્ચે માથાકૂટ થયા બાદ બન્નેએ તેની હત્યા કરી નાસી ગયા હતા. નન્હે પણ પહેલાં અમદાવાદ ગયો હતો ત્યાંથી તે પોતાના વતન મધ્યપ્રદેશ બાજુ ગયો હોવાનું પકડાયેલા મંગલસિંઘએ પોલીસને જણાવ્યું હતું, જેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. એલ.સી.બી. અને સ્થાનિક પોલીસે આ કાર્યવાહીમાં સાથે રહીને હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer