કચ્છનાં ગામનાં નામોમાંયે સચવાઇ છે `માધવ''ની સ્મૃતિ

કચ્છનાં ગામનાં નામોમાંયે સચવાઇ છે `માધવ''ની સ્મૃતિ
નિમિષ વોરા દ્વારા-
ભુજ, તા. 23 : પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ યુગોથી સનાતન ધર્મીઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. જેવી રીતે તેઓ ક્યાંક જશોદાના `લાલા' તો અમુક ભાવિકો તેને વ્રજના નટખટ કાનુડા તરીકે ભજે છે. અચ્યુત, અદિત્યા, બાલ ગોપાલ, દેવકીનંદ, ગોપાલ, કેશવ, ગોવિંદ, જગદીશ જેવા 108 નામોથી ઓળખાતા યોગેશ્વરનું સ્મરણ કરાવતાં અનેક નામો સાથેના કેટલાંક ગામો કૃષ્ણ ભક્તિનો નમૂનો પૂરો પાડે છે. તેમાંય યદુવંશી આહીર સમાજના ગામોએ પોતાના આરાધ્યદેવને સદાય સાથે જ રાખ્યા છે. ધરતીકંપ પછી બિનસરકારી સંગઠનોએ નવા વસાવેલા હોય કે જૂના ગામોમાં માધવનું સ્મરણ અકબંધ જોવા મળે છે. કચ્છના આ ગામોના નામ પાછળ કોઇને કોઇ છૂપો ઇતિહાસ જોડાયેલો હશે અથવા કદાચ કોઇ વ્યક્તિ આધારિત પણ હોય પરંતુ તેમાં પણ?અંતે કૃષ્ણની સ્મૃતિ તો તરતી હોવાનું નિ:શંક છે. `જન્માષ્ટમી' નિમિત્તે આવા કેટલાક ભગવાન શ્રીકૃષ્ણની વંદનારૂપી ગામોની સ્મૃતિ યાત્રા કરીએ તો ભુજ તાલુકાના ભુજ-દુધઇ રોડ?પર આવેલું ગામ કનૈયાબે સાંભરી આવે. મજાની વાત એ છે કે ચોમેર આહીરોના ગામથી ઘેરાયેલા કનૈયાબે ગામ મુસ્લિમ `શેખ' સમાજની વસ્તી ધરાવે છે. ગામના નામમાં `કનૈયા' અને તે પણ `બે'?શા માટે છે તે કોઇ જાણકારો જ પ્રકાશ પાડી શકે. 2001ના ભયાનક ભૂકંપમાં અનેક ગામો તહસનહસ થયાં હતાં. તેમાં ભુજ તાલુકાના આહીરપટ્ટી અને બન્નીના રણ નજીક આવેલા લોડાઇને જબ્બર નુકસાન?થયું હતું. આ ગામમાંથી રીલોકેટ થયેલી વસાહતને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નવાં એક ગામમાં વસાવ્યું જે અત્યારે `કેશવનગર' તરીકે ઓળખાવા લાગ્યું છે. આર.એસ.એસ. છે એટલે સમજી શકાય કે સંઘના સ્થાપક અને પ્રકાંડ ક્રાંતિકારી કેશવરામ બલીરામ હેડગેવારના નામ આધારિત હોય પરંતુ અંતે `કેશવ' તો નંદલાલાનું જ એક નામ પણ છે. બીજીતરફ આહીરપટ્ટીના પદ્ધરથી કંઢેરાઇ વચ્ચે આવેલી એક વસાહત `કનૈયાનગર'  નામે ઓળખાય છે, જેમાં મુખ્યત્વે આહીરોની જ વસ્તી છે. તેવી જ રીતે ટ્રાન્સપોર્ટ અને કચ્છના રાજકારણમાં મહત્ત્વનું કેન્દ્ર લેખાતું ટ્રક માલિકોનું ગામ રતનાલ પણ કુદરતી આપત્તિમાં ખુવાર થયું તેમાંથી એક ભાગ જૂની જગ્યાએ હજુ રતનાલની ઓળખ જાળવીને બેઠું છે તો બીજીબાજુ ખાવડા પાશી વિસ્તારના આહીર પરિવારો નજીકના વિસ્તારમાં વસ્યા અને તે હવે `રાધાકૃષ્ણ નગર' બની રહ્યું છે. આહીરપટ્ટીના ગામોની સંસ્કૃતિ હજુ પરંપરાગત ઢબની હોવાથી તે જન્માષ્ટમીના `ગોકુળિયાં' બની રહે છે. હવે વાત વાગડની, તો રાપર તાલુકામાં તો સૌપ્રથમ વૃજવાણીની જ વાત કરવી પડે. તે વગર બધું અધૂરું ગણાય. આહીર સમાજ માટે પૂજનીય આ ગામમાં રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે અને કચ્છ તથા બૃહદ કચ્છના આહીરો માટે યાત્રાધામ બની રહ્યું છે. `વૃજવાણી' ગામના નામમાં જ વ્રજની સોડમ અનુભવાય છે. આ ઉપરાંત રાપર તાલુકામાં કાનપર, ગોવિંદપર અને કાનમેર ગામના નામોમાં `માધવ'નો અંશ અનુભવાય છે. ભચાઉ તાલુકાના માય નજીકના વિસ્તારનું નામકરણ પણ માધવપુરા તરીકે કરાયું છે. આ સિવાય યદુવંશની વસ્તી ઉજાગર કરતા ગામોનો મુદ્દો છેડીએ તો ભચાઉ તાલુકામાં ચીરઇના ધરતીકંપ બાદ જે ચાર ફાંટા પડયા તેમાં મૂળ ચીરઇ ઉપરાંત નંદગામ, જશોદાધામ અને ગોકુલધામ નામકરણ કરાયું છે. દરમ્યાન, અંજાર તાલુકામાં કૃષ્ણ નહીં પણ `રાધા' કનેક્ટેડ ગામ છે. મથુરા નજીક કૃષ્ણ પ્રિયા રાધાજીનું ગામ `બરસાના' આવેલું છે તો અંજાર તાલુકાના એક ગામનું નામ `વરસાણા' છે. બોલો, જય કનૈયાલાલ કી.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer