અથશ્રી ગાર-માટીના કાનુડાની કથા...

અથશ્રી ગાર-માટીના કાનુડાની કથા...
નવીન જોશી દ્વારા-
ભુજ, તા. 23 : ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ શ્રીકૃષ્ણ વગર કલ્પી જ ન શકાય. આ દેશના કણકણમાં શ્રીકૃષ્ણ છે અને રહેશે. આજે એ સર્વવ્યાપી માધવરાયનો  પ્રાગટયદિન એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી આપણે મનાવી રહ્યા છીએ. ત્યારે સંજોગો જો સાથ આપે તો યાદવોની વસતીવાળા રતનાલ ગામમાં જઇને શ્રીકૃષ્ણ ઘેલા આહીરોની ભકિતના દર્શન કરજો, શ્રીકૃષ્ણ આપોઆપ રાજી થઇ જશે. શ્રીકૃષ્ણ સાથે જેમનો યુગો પુરાણો નાતો છે એવા આહીર સમાજમાં ખાસ કરીને રતનાલ ગામે કૃષ્ણ જન્માષ્ટમીનો જે ઉમંગ ઉત્સાહ, ઉન્માદ જોવા મળે છે એ ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય છે. યાદવકુળના આહીર સમાજની શ્રીકૃષ્ણદેવની ભકિતની પરાકાષ્ટા આ પર્વ દરમ્યાન ઊડીને આંખે વળગે છે. પરંપરાગત કૃષ્ણભકિતમાં લીન આ સમાજ કદી પોતાની આસ્થા, શ્રદ્ધાનું પ્રદર્શન કરતું નથી પણ  ભક્તિ એવી કરે છે કે, જોનાર જિજ્ઞાસુ બનીને સામેથી દોડીને એ કૃષ્ણ જન્મોત્સવ માણવા આવી જાય. ભુજ-અંજાર માર્ગ પરનું રતનાલ એટલે ટ્રકોનું ગામ, દૂધના વ્યવસાયનું ગામ પણ એકમાત્ર જન્માષ્ટમી પર્વના જાઓ તો ખ્યાલ આવે કે જ્યાં શ્રીકૃષ્ણની ઉપસ્થિતિ છે ત્યાં ટ્રકો માટે જગ્યા જ નથી. હકડેઠઠ ગામ આખું એકત્ર થાય અને ચોમેર સફેદ ચેયણા તેના પર મોરપીંછ બ્લૂ કલરના શર્ટમાં યુવાનો તથા પુરુષ વર્ગ તથા આહીર ભરતથી ત્રી શોભતા ઘેરદાર ઘાઘરા, ત્રી પરિણીત, કુંવારી કે વિધવા કયા સ્વરૂપની છે એ દર્શાવતી કાંચડી, ભારે વજનદાર છાંટણીવાળા ઓઢણા અને શ્રીકૃષ્ણ કૃપાથી જ શરીર પર તોલાના વજનમાં નહીં પણ કિલોના વજનમાં તોળી શકાય તેવા સુવર્ણ-રજત આભૂષણોથી સજ્જ યુવતીઓ તથા  મહિલાવૃંદનજરે પડે. વજનદાર વત્રો સાથે પણ આહીર મહિલાઓ કૃષ્ણભકિતમાં જ્યારે એકતાલ થઇને રતનાલની શેરીમાં રાસ રમે ત્યારે સ્વયં શ્રીકૃષ્ણ પણ કોઇપણ રૂપ ધરીને આ રાસ જોવા અવશ્ય અવતરતો જ હશે એમાં કોઇનાથીયે ના ન થાય ! રતનાલની ગોકુળ આઠમના કવરેજ માટે પત્રકાર તરીકે બે દાયકા પહેલાં વર્તમાન રાજ્યમંત્રી વાસણભાઇ?આહીર સાથે જવાનો મોકો મળેલો પણ ભૂકંપ બાદની સ્થિતિમાં  બદલાવ આવ્યો હશે તેવું માનીએ. શ્રી સચ્ચિદાનંદ મંદિરના  મહંત  ત્રિકમદાસજીનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, રતનાલની ગોકુળ આઠમની ઉજવણીમાં 100 વર્ષથી કોઇ જ ફેર પડયો નથી. 2019ની આઠમ અને 1919ની આઠમ એકસરખી. જરા વિચારો 100-100 વર્ષની શ્રદ્ધા ઉજવણીની  પરંપરા અને  દાગીના-વત્રો સિવાય કોઇ કહેતા કોઇ બદલાવ નહીં.. મહંત કહે છે :  અરે, દાગીનામાં પણ કોઈ ફરક નથી ભાઇ અમારો કાનુડો સદીઓથી સોનાનો વેલો જ પહેરતો આવ્યો છે અને પહેરશે. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા દેવજીભાઇ વરચંદ સાથે રતનાલમાં આહીરોના ગાર-માટીના કાનુડાની વાત કરી તો તેઓ કહે અરે, ભાઇ રતનાલ જ નહીં પાકિસ્તાન જેવા કટ્ટર દેશમાં પણ અમારા આહીર સમાજનો કાનુડો ગાર-માટીનો જ  હોય અને કંચનવેલાથી શોભતો હોય. પાકિસ્તાનમાં હવે આહીર કેટલા એ પ્રશ્નના ઉત્તરમાં શિક્ષિત એવા શ્રી વરચંદે કહ્યું કે, હાલ તો એક જ પરિવાર છે. હૈદરાબાદ (સિંધ)માં 50 પરિવાર હતા જે તમામ ધર્મના રક્ષણાર્થે ભારત પાસે શરણ માંગતાં ભારત સરકારે હાલ તેમને મોરબી નજીક નાની બરાર ગામમાં વસાવ્યા છે. હા, તો રતનાલમાં કાનુડાની વાત. જે આહીર દંપતીના ઘેર લગ્ન બાદ લાંબા સમય સુધી પારણું ન બંધાયું હોય એ ઘરની મહિલા `ગોર ઉપાડે' એટલે માની લો કે એનું વાંઝિયાપણું ગયું. આ શ્રદ્ધાની વાત છે પણ સેંકડો પરિવારો સાક્ષી છે કે, સંતાન સુખથી વંચિત હતા તેમના ઘેર ઘોડિયા બંધાયા. પિંડદાન કરનારા આવ્યા. શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત કહે છે કે, અમારો આ ઉત્સવ એક આઠમ પૂરતો નથી પણ એક મહિનાનો છે. પર્યાવરણની સુરક્ષાને સદીઓથી કેન્દ્રમાં રખાય છે. ઉત્સવમાં તળાવની ગાર-ચીકણી માટી, પાણીનું અદકેરું મહત્ત્વ છે. માટીમાંથી કાનકુંવર અને રાધારાણી સર્જાય. વડીલ બહેનો નક્કી કરે એ ઘરની મહિલા આ બંને રાધાકૃષ્ણની મૂર્તિઓને છાબમાં માથે ઉપાડે અને તેની પાછળ આખું ગામ કૃષ્ણભકતોનો સાગર ઊમટી પડે. એક મહિલાને કેન્દ્રમાં રાખતા, પર્યાવરણનું સચોટ ધ્યાન રાખતા અને એક આખો મહિનો ચાલતા આ ઉત્સવની  પરાકાષ્ઠા એટલે આઠમ અને પૂર્ણાહુતિ એટલે નોમ. જે ઘર આ ગોર ઉપાડવા મુકરર થયું હોય ત્યાં 15 દિવસ રોજ સાંજે રાસ લેવાય. કાનજીને અવની પર અવતરવા આજીજીઓ કરાય, રીઝવવામાં આવે શ્રીકૃષ્ણને કે હે પ્રભુ પ્રેમથી પધારો. એક મહિનાનું આયોજન મહિલા મંડળ સંભાળે. ઘરમાં બેન્કના લોકરમાં પડેલા તમામ દર-દાગીના બહાર આવે. પાંદડા, રામનામી, ઝરમર, રાધા રાણીના  કાનના વેઢલા, ઝાંઝર, બલોયા,કડા-કડલા, કાનાનો સોનાનો વેલો, કંઠી,છાંટણીયાણી, ઘાઘરા, કાંચડી, વાંઝણા પહેરી સજી ધજીને ત્રી-પુરુષો આઠમની સવારે ગામના ઓટે કે ઠાકર મંદિરે પહોંચે ત્યાંથી આ ગાર માટીના  રાધા-કૃષ્ણ કે જેને `ગોર' હુલામણું નામ અપાયું છે તે માથે લઇને આખા ગામમાં રથયાત્રા, શોભાયાત્રા સ્વરૂપે  યજમાન તથા આખું ગામ ફરે અને પછી યજમાનના ઘેર ગોરની સ્થાપના થાય, જ્યાં આખી રાતનું જાગરણ હોય અને જાગરણ એટલે ઢોલની દાંડીએ ધ્રબાંગ, ધ્રબાંગ રાસ લેવાય. આ આખી વિધિ ગોકુળ આઠમે શરૂ થાય એ પહેલાં આખા ગામના લોકો પૈકી જેમના પણ પરિવારજનો, પિતૃઓ  પાકિસ્તાન (સિંધ) જઇને આદ્યશકિત આઇ હિંગલાજના દર્શન કરી આવ્યા હોય એ તમામ હિંગલાજીયા પૈકી જે પણ સ્વર્ગે સિધાવી ગયા હોય તેમની સમાધિ પર શ્રીફળ ચડાવાય અને પુરુષો દ્વારા રાસ રમીને  એ જીવોના કલ્યાણની પ્રાર્થના થાય પછી ગોર ઉપાડાય  અને એયને આખી રાત શ્રીકૃષ્ણને યાદ કરાય. નોમની વહેલી સવારે ભળભાંખણું થતું હોય ત્યારે ગાર-માટીમાંથી સર્જાયેલા  રાધારાણી-કુંવર કાનને વિદાય અપાય અને તળાવમાં મૂર્તિઓનું વિસર્જન થાય. આધ્યાત્મિક જગત કહે છે કે, આ શરીર માટી છે, માટીમાંથી આવ્યું છે અને માટીમાં જ વિલીન થશે.  આહીરોનો આ કાનુડો જિંદગીની આ ફિલસૂફી એક મહાન તત્ત્વજ્ઞાની હોવાથી સહજમાં જ સમજાવી દે છે.  સદીઓ વીતી ગઇ, અનેક ઘેર કાનુડાએ પારણાં બાંધ્યા, અનેક ઘરોમાં કિલકારીઓ પ્રગટાવી અને બધું જ સાવ સહજ. જરૂર છે માત્ર શ્રદ્ધાની. કચ્છનો આહીર સમાજ શીખવે છે ભકિત કેવી રીતે થાય...જય શ્રીકૃષ્ણ.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer