માંડવીમાં મોડીરાત્રે છ દુકાનનાં તાળાં તૂટયાં

માંડવીમાં મોડીરાત્રે છ દુકાનનાં તાળાં તૂટયાં
ભુજ, તા. 23 : બંદરીય નગરી માંડવીમાં ગત મોડીરાત્રે તસ્કરોએ સામૂહિક આક્રમણ કરીને એકસાથે છ દુકાનને નિશાન બનાવી હતી. આ દુકાનો પૈકી એક સ્થળેથી રૂા. 1.87 લાખની માલમતા તફડાવી જવાઇ હતી. તો અન્ય સ્થળો ઉપરથી ખાસ કાંઇ ગયું ન હતું. ચોરોના આ સામૂહિક હલ્લાથી એકબાજુ વેપારી આલમ ભય સાથે ચિંતામાં મુકાઇ છે તો બીજીબાજુ કાયદાના રક્ષકો પણ તહેવારોની ઉજવણીના બંદોબસ્ત વચ્ચે દોડધામમાં પડી ગયા છે. બહાર આવેલી વિગતો અનુસાર ગતરાત્રે ત્રણેક વાગ્યા બાદ માંડવીમાં નાનાલાલ વોરા માર્ગ  ઉપર તસ્કરોએ આ સામૂહિક ઉધામો મચાવ્યો હતો. જેમાં રિગલ ફોરેક્ષ પ્રા.લિ., સાગર ઇલેકટ્રોનિકસ, શીતલ ચશ્માંઘર અને સાગર ઇલેકટ્રોનિકસ સહિતની છ દુકાન નિશાન બની હતી. આ દુકાનો પૈકી સાગર ઇલેકટ્રોનિકસ ખાતેથી રૂા. 1.87 લાખની માલમતા ઉઠાવી જવાઇ હતી. માંડવીમાં હજુ એક મહિના પૂર્વે જ આ જ માર્ગ ઉપર કેટલીક દુકાનોના તાળાં તૂટયાં હતાં. જે બાબતે હજુ કોઇ ફળશ્રુતિ નથી. આ વચ્ચે ફરી સામૂહિક ચોરીનો ચાળો સફળ થતાં વેપારી વર્ગ ચિંતામાં મુકાઇ ગયો છે. આ બાબતે પોલીસ ઇન્સ્પેકટર એ.એલ.મહેતાનો સંપર્ક કરતાં તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે તસ્કરોની હરકત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયેલી જોવા મળી છે. કેમેરાના આ દ્રશ્યોનો અભ્યાસ ચાલુ કરવા સાથે ડોગ સ્કવોડ અને હસ્તરેખા નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. દરમ્યાન પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે તસ્કરોએ નિશાને લીધેલી દુકાનોના તાળાં તોડવાની એકસરખી પદ્ધતિ અખત્યાર કરી હતી. દુકાનોમાં ઘૂસ્યા બાદ વિવિધ વસ્તુઓ વેરવિખેર કરી નાખવા સાથે જબ્બરી ફેંદાફેંદી તેમણે કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer