સાતમ-આઠમના મેળા પ્રારંભે જ હૈયેહૈયાં દળાયાં

સાતમ-આઠમના મેળા પ્રારંભે જ હૈયેહૈયાં દળાયાં
ભુજ, તા. 23 : આવો... અવો...આવો... જગદીશભાઇ આવો...એ... ભાવેશભાઇ આવો...ઠંડી ઠંડી આઇક્રીમ, ફરાળી વાનગી તૈયાર છે...આવો તમારું સ્વાગત છે....આવા સંવાદો આજે મોટા સ્પીકર વાટે સંભળાવા શરૂ થતાં જ દૂર-દૂર રહેતા શહેરીજનોના હૈયે મેળાનો આંનદ વ્યાપી ગયો હતો.  ભુજમાં સાતમ-આઠમના મેળાના આજે સવારે ઉદ્દઘાટન સાથે જ ખાસ કરીને ગ્રામીણ લોકો ઊમટી પડયા હતા. શહેરના હ્યદયસમા હમીરસર કિનારે ભરાતો સાતમ-આઠમ અને રવિવારની રજા સાથે ત્રિદિવસીય લોકમેળો આજે શરૂ થતાં જ લોકહૈયાં ખીલી ઊઠયાં હતાં. અવનવી વસ્તુઓ તેમજ ખાણી-પીણીના સ્ટોલથી લબોલબ ભરાયેલા મેળાને માણવા સવારથી જ જનમેદની ઊમટવી શરૂ થઇ જતાં વેપારીઓને સારી આવક થવાની આશા જાગી હતી. સવારે શરૂઆત બાદ ધીરે ધીરે રંગ જમાવતા મેળામાં સાંજે ગ્રામીણ સાથે શહેરીજનો પણ પરિવાર સહિત જોડાતાં હકડેઠઠ ગિરદી જામી હતી. મેળાના માણીગરોની સાથોસાથ વેપારીઓના ચહેરે સારી આવક થવાની આશાએ અનેરું સ્મિત સ્પષ્ટ દેખાતું હતું.  નાના પાથરણાથી માંડી મોટા સ્ટોલમાં વિવિધ વસ્તુઓની ખરીદી મંદીના માહોલને રીતસરની ખદેડતી હોય તેવું લાગ્યા વિના નહોતું રહેતું. યુવતીઓ તથા યુવાનોના ગ્રુપ પણ તેમની મસ્તીમાં મેળામાં મહાલતા નજરે પડતા હતા. લોકોના કલશોર વચ્ચે સ્ટોલ પર હિન્દી-ગુજરાતી ફિલ્મોના ગીતોથી વાતાવરણ જામ્યું હતું. ઘોંઘાટ ભર્યા વાતાવરણ, ટકટકિયાના અવાજ વચ્ચે ખૂણો પકડી ઊભેલા વાંસળીના રેલાતા સૂર અનેકનું ધ્યાન ખેંચતા હતા અને સંગીતની કળા જાત-ધર્મ કે, પરિસ્થિતિ પર નિર્ભર નથી હોતી તેવું લાગ્યા વિના નહોતું રહેતું.  ભુજમાં દબાણોએ માજા મૂકી છે અને લોકોને ચાલવા જગ્યા નથી બચી ત્યારે આજે મહાદેવ નાકાથી ખેંગારબાગ સુધીના ચાર માર્ગીય રસ્તાપર ચાલવાનો આનંદ શહેરીજનોએ લીધો હતો.  મેળા દરમ્યાન અનિચ્છનીય બનાવ ખાળવા પોલીસ બંદોબસ્ત બિરદાવવા લાયક છે. હમીરસર કાંઠે ભરાયેલા સાતમ આઠમના મેળામાં હોટલ લેકવ્યૂ સામે સત્યમનો અનોખો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે જેમાં લોકો માટે લાયબ્રેરી શરૂ કરાઇ છે તે ઉપરાંત બાળકો માટે બેઠક વ્યવસ્થા, પુસ્તિકાઓનું વિતરણ, કલોરીન ગોળીઓનું નિ:શુલ્ક વિતરણ પણ કરાઇ રહ્યું છે.  સંસ્થાના દર્શક અંતાણી, મધુકાંત ત્રિપાઠી, નર્મદાબેન ગામોટ વિ. વ્યવસ્થા સંભાળી રહ્યા છે. શંકરભાઇ સચદેએ સહયોગ આપ્યો હતો. આ તકે પ્લાસ્ટિકની થેલીઓથી દૂર રહેવા અપીલ દરમ્યાન શહેરની સત્યમ સંસ્થાના ઉપક્રમે અને લોકસેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે મેળામાં અલગ અલગ જગ્યાએ  કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer