સાતમ-આઠમના મેળાનો સ્ટોલ બન્યો ઉદ્ઘાટન સ્ટેજ !

સાતમ-આઠમના મેળાનો સ્ટોલ બન્યો ઉદ્ઘાટન સ્ટેજ !
ભુજ, તા. 23 : શહેરના હમીરસર કિનારે આજથી શરૂ થયેલા સાતમ-આઠમના મેળાના ઉદ્ઘાટન માટે પહોંચેલા રાજકીય અગ્રણીઓને વ્યવસ્થાના અભાવે ભોઠાં પડવાનો વારો આવ્યો હતો અને જાહેરમાં જ જવાબદારોને નારાજગીનો ભોગ બનવું પડયું હતું.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાંક વર્ષોથી જરૂરી ન હોવા છતાં લોકમેળા એવા સાતમ-આઠમના મેળા ઉદ્ઘાટનની પ્રથા પડાઇ છે. જે અંતર્ગત આજે પણ સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, શહેરના પ્રથમ નાગરિક લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામભાઇ ગઢવી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા તેમજ નગરસેવક-સેવિકાઓ અને રાજકીય અગ્રણીઓ ઠસ્સા સાથે પહોંચ્યા હતા. પરંતુ સ્થળ પર કોઇ જ સ્ટેજ કે, ખુરશી સહિતની વ્યવસ્થા ન દેખાતાં આશ્ચર્ય સાથે મૂંઝવણમાં મુકાયા હતા.  નવાઇની વાત તો એ છે કે, ઉદ્ઘાટન માટે રિબિન કે કાતર પણ ન હોવાથી વ્યવસ્થા કરવા રીતસર દોડાદોડી થઇ હતી. તો, સ્ટેજ કે ખુરશીની વ્યવસ્થા ન હોવાથી ઉદ્ઘાટન સ્થળની પાસે જ આવેલા મહિલા અભયમ-181ના સ્ટોલને જ સ્ટેજ બનાવી તેમના માઇક પરથી શહેરીજનોને સંબોધન કરાયું હતું.   વ્યવસ્થા તો દૂર સુધરાઇના મુખ્ય અધિકારી તેમજ કચેરીના જવાબદાર કર્મચારીઓ હાજર ન હોવાથી નારાજગી ફેલાઇ હતી. લેખેલા નગરસેવક સાથે નગરસેવિકાઓ ઉપસ્થિત રહેતાં પક્ષની આબરૂ સચવાઇ હતી. અન્ય એક કાર્યક્રમ આ જ સમયે ગોઠવાયો હતો જેમાં પણ ફજેતી થઇ હતી. રાજેન્દ્ર પાર્ક પાસે પ્રેમજીભાઇ ભવાનજીભાઇ ઠક્કરની જન્મતિથિ હોવાથી પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ ગોઠવાયો હતો પરંતુ પ્રતિમા સુધી પહોંચવા રાજકીય અગ્રણીઓને  ટેબલ-ખુરશીનો સહારો લેવો પડયો હતો. કેમ કે, આગળના ભાગે પોલીસ ચોકીનો ટેન્ટ બંધાયેલો હોવાથી પ્રતિમા સુધી પહોંચવા સીડીને આડશ આવી ગઇ હતી. મેળાની મજા પહેલાં જ શહેરીજનો તેમજ કચ્છમાંથી ફરવા આવેલા પરિવારોએ ઉદ્ઘાટન કાર્યક્રમની અરાજકતાની મજા માણી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer