ભુજના મેળાનું નામ પડે એટલે કેસરી `ટોપીવાળા બાવાજી''નો ટોપરાપાક યાદ આવે

ભુજના મેળાનું નામ પડે એટલે કેસરી `ટોપીવાળા બાવાજી''નો ટોપરાપાક યાદ આવે
ભુજ, તા. 23 : અહીંના હમીરસર કાંઠે યોજાતા પરંપરાગત સાતમ-આઠમના મેળાની સમય જતાં પરિવર્તન થવાથી ખાણી-પીણી, રમકડાં કે રાઇડ્સની પેટર્ન બદલાય તે સમજી શકાય પરંતુ તેમાં કેટલાક આકર્ષણ જૂની પેઢી માટે આજે પણ અજેય છે. જેમ કે પીળચટ્ટા રંગનો ટોપરાપાક ! મૂળ ભુજનો રહીશ હોય અને ધંધાર્થે કે નોકરી અર્થે પરિવાર ગુજરાત કે બહાર જઇ વસ્યો હોય અને જો મેળા માણવા ભુજ આવે તો તેના પગ ધીંગેશ્વર મંદિર નજીક સરકે ! મંદિર નજીક સ્વચ્છ સુઘડ લારીમાં પીળા રંગનો ટોપરાપાક, જાળીવાળી મોટી મોટી વેફર અને રતાળુનો ચેવડો અને કોટની ચટણીના વર્ષોથી એક જ સ્વાદ જાળવી બેઠેલા `કેસરી ટોપીવાળા બાવાજી' ભુજના મેળા સાથે વણાઇ ગયેલા છે. ધીંગેશ્વરની બાજુમાં જ છેલ્લા 80 વર્ષથી રહેતા મહાદેવપુરી રતનપુરી ભગવાનપુરી ગોસ્વામી એવા મૂળ કેસરી ટોપીવાળા બાવાજી આજે હયાત નથી પરંતુ તેમનો આ વારસો તેમના પુત્ર રાજેશભાઇ સંભાળી રહ્યા છે. તેમણે વાતચીત દરમ્યાન ઘરાકીનો સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, લીલા નાળિયેરનો ટોપરાપાક, વેફર અને ચેવડો અને કોટની ચટણીના ખાસ કરીને નાગર, કંસારા, સોની, રાજગોર, મુસ્લિમ ગ્રાહકો જૂના છે. આ માલ બનાવવા ઘરના ચાર સભ્યો સતત જહેમત ઉઠાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer