ભુજના લોકમેળામાં કાનૂની જાગૃતિ સ્ટોલ ખુલ્લો મુકાયો

ભુજના લોકમેળામાં કાનૂની જાગૃતિ સ્ટોલ ખુલ્લો મુકાયો
ભુજ, તા. 23 : જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય ભુજ દ્વારા શીતળા સાતમ અને જન્માષ્ટમીના લોકમેળામાં કાનૂની જાગૃતિ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-અમદાવાદની અનુશ્રામાં અને આઇ. ડી. પટેલ (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-ભુજ-કચ્છ), બી. એન. પટેલ (સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-ભુજ-કચ્છ)ના આદેશથી યોજવામાં આવેલા આ લોકમેળામાં ભુજ તાલુકા અને આજુબાજુના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં આવતા નાગરિકોને કાનૂની સેવા અને સલાહ -માર્ગદર્શન મળી રહે તેમજ કાનૂની જાગૃતિનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય તે માટે `કાનૂની જાગૃતિ મેળા સ્ટોલ' તા. 23 અને 24ના સવારે 9 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લો રહેશે. આ મેળા સ્ટોલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલ્સા), દિલ્હી દ્વારા અમલમાં લાવવામાં આવેલી વિવિધ યાજેનાઓ-વિનામૂલ્યે કાનૂની સેવા અને સહાયની યોજના, મીડિયેશન સેન્ટર (સમાધાન કેન્દ્ર), લોકઅદાલતના લાભ, ત્રીઓ, બાળકો અને સિનિયર સિટીઝન્સના અધિકારો વિશેની માહિતીનો પ્રચાર-પ્રસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-ભુજ દ્વારા કરવામાં આવશે. આ મેળા સ્ટોલને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-ભુજના પેરા લીગલ વોલિન્ટીયર્સ તેમજ માનવજ્યોત સંસ્થા, કચ્છ મહિલા વિકાસ સંઘ સંસ્થાના વોલિન્ટીયર્સ, એમએસડબલ્યૂના વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer