નેશનલ રોલ પ્લે, ફોક ડાન્સ સ્પર્ધાના વિજેતાનું સન્માન

નેશનલ રોલ પ્લે, ફોક ડાન્સ સ્પર્ધાના વિજેતાનું સન્માન
ભુજ, તા. 23 : એનસીઈઆરટી, નવી દિલ્હી અને જીસીઈઆરટી, ગાંધીનગરના વસતી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ માટે જિલ્લાકક્ષાની નેશનલ રોલ પ્લે અને ફોક ડાન્સ કોમ્પિટીશન `ડાયટ'ના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વસતી શિક્ષણ અને જીવન કૌશલ્યોને લગતી લઘુનાટિકા સ્પર્ધામાં પ્રથમ સ્થાને સરકારી હાઈસ્કૂલ-જવાહરનગર, દ્વિતીય સ્થાને સરકારી મા. શાળા- રામપર વેકરા અને તૃતીય સ્થાને સરકારી મા. શાળા-દુર્ગાપુરની ટીમ વિજેતા રહી હતી. લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાને સરકારી હાઈસ્કૂલ-રામપર વેકરા (તા. માંડવી), દ્વિતીય ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ (ભુજ) અને તૃતીય સ્થાને સરકારી હાઈસ્કૂલ (બાયઠ, તા. માંડવી)ની ટીમ વિજેતા જાહેર થઈ હતી. સ્પર્ધાનો પ્રારંભ દીપ પ્રાગટયથી જિ. શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિ, ડાયટના પ્રાચાર્ય હસમુખ ગોર તથા સ્પર્ધક વિદ્યાર્થીઓએ કરાવ્યો  હતો. સ્પર્ધાના સંયોજક વ્યાખ્યાતા સંજય ઠાકરે હેતુ સ્પષ્ટ કરવા સાથે સ્પર્ધાનું માળખું જણાવ્યું હતું. આ નવતર સ્પર્ધામાં થીમ બેઈઝ ચાર રોલ પ્લે અને પાંચ લોકનૃત્ય રજૂ થયા હતા. જેણે આકર્ષણ જમાવ્યું હતું. બન્ને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. દક્ષાબેન મહેતા, જ્યોતિબેન સોરઠિયા, સંજય ઠાકર, ડો. કેશુભાઈ મોરસાણિયા, ડો. રક્ષાબેન ઉપાધ્યાય તથા દિવ્યાબેન વૈદ્યે કામગીરી સંભાળી હતી. સમાપન કાર્યક્રમમાં નિર્ણાયકો અને વ્યાખ્યાતાઓના હસ્તે મોમેન્ટો, રોકડ પુરસ્કાર, પુસ્તક અને પ્રમાણપત્ર ભેટ અપાયા હતા. સુનીલભાઈ યાદવે કન્યા ભ્રૂણહત્યા વિરોધી અને અશ્વિનભાઈ સુથારે સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. સંચાલન મનન ઠક્કરે, આભારવિધિ ડો. રક્ષાબેન ઉપાધ્યાયે કર્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer