કચ્છમાં મેલેરિયાને ઊગતો ડામવા 21 હજાર લોકોને એક મહિનામાં આયુર્વેદિક દવા અપાશે

કચ્છમાં મેલેરિયાને ઊગતો ડામવા 21 હજાર લોકોને એક મહિનામાં આયુર્વેદિક દવા અપાશે
ભુજ, તા. 23 : વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેલેરિયાનું પ્રમાણ વધતું હોવાથી રાજ્યના આયુષ વિભાગે સંભવિત મેલેરિયા અસરગ્રસ્ત વિસ્તારમાં અટકાયતી ઉપચાર તરીકે મેલેરિયા પ્રતિરોધક દવાઓનું બાળકો અને વયસ્કો માટે નિયત ડોઝમાં આશા બહેનો મારફતે વિતરણ કરાવવાનો આદેશ કરતાં કચ્છમાં એક મહિનામાં 21 હજાર લોકોને દવા આપવાનું લક્ષ્યાંક છે. મેલેરિયા નાથવા માટેની કામગીરીની સફળતા બાબતે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. કમલેશ જોશી અને જિલ્લા સંયોજક ડો. પવન મકરાણીએ મેલેરિયા શાખાને  ટાંકીને જણાવ્યું કે, વર્ષ 2018માં મેલેરિયાના 103 કેસ જણાયા હતા તે સામે વર્ષ 2019માં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. આ વર્ષ ફકત 19 કેસ દેખાયા છે. આયુષ વિભાગના નિયામક ડો. ભાવનાબેન પટેલની સૂચના હેઠળ મેલેરિયા પ્રતિરોધક આયુર્વેદિક ઔષધ મહાસુદર્શન ઘનવટી અને શમશની વટીની સવાર સાંજ બાળકોને એક-એક અને પુખ્ત વયનાને બબ્બેનો પાંચ દિવસનો કોર્સ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય શાખાના  સહકારથી આશા મારફતે મેલેરિયા સંવેદનશીલ નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંલગ્ન 19 ગામોમાં અત્યાર સુધી 13354 લોકોને  દવા આપવાની કામગીરી ચાલુ છે. મેલેરિયા સંવેદનશીલ પ્રા.આ. કેન્દ્રોમાં ભુજ તાલુકાના દિનારા અને ગોરેવાલી છે, તેમાં આવતા દર્દીઓવાળા ગામોમાં સુમરાપર, કોટડા, મોટા દિનારા, હાજીપીર, નાના-મોટા લુણા, નખત્રાણા તા.ના દેશલપર (ગુંતલી) પ્રા.આ. કેન્દ્ર અને ગામો લુડબાય, મોતીચુર તથા મુરૂ, અબડાસાના વાયોર અને તેરા પ્રા.આ. કેન્દ્ર સંલગ્ન ગામોમાં ઐયર, લૈયારી, છસરા, બાંડિયા, ઉસ્તીયા તથા સુડધ્રો મોટી, ભચાઉ તા.ના. જૂના કટારિયા પ્રા.આ. કેન્દ્ર સંલગ્ન ગામોમાં જૂના કટારિયાની ચેર વાંઢ, રાપર તા.ના ધોળાવીરા પ્રા.આ. કેન્દ્ર હસ્તેના જનાણ, બાંભણકા અને ધોળાવીરા ગામોમાં વધુમાં લોક જાગૃતિ માટે ભીંત સૂત્ર લખાયા છે. દિનારા-ગોરેવાલી પ્રા.આ. કેન્દ્રમાં  જિ.આયુર્વેદ અધિકારી ડો. કમલેશ જોશી, જિલ્લા સંયોજક ડો. પવન મકરાણી સાથે ત્રણ આયુર્વેદ ચિકિત્સક, બે મેડિકલ ઓફિસર અને બે આયુષની ઉપસ્થિતિમાં 5500 દર્દી માટેની ગોળીઓ અપાઇ હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer