ખારેક બચાવવા રાજ્યના કૃષિમંત્રી સક્રિય

ખારેક બચાવવા રાજ્યના કૃષિમંત્રી સક્રિય
મુંદરા, તા. 23 : કચ્છી મેવો ખારેકની ખેતીને ટકાઉ અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી કચ્છ ડેટ ગ્રોવર એસોસિયેશનનું એક પ્રતિનિધિ મંડળ કૃષિમંત્રી આર. સી. ફળદુને ગાંધીનગરમાં મળ્યું હતું. પ્રતિનિધિ મંડળે શ્રી ફળદુ સમક્ષ રજૂઆત કરી હતી કે કચ્છની વિશ્વ પ્રસિદ્ધ જાતવાન ખારેકના ટિશ્યૂ કલ્ચરના રોપા સરકારી ધોરણે તૈયાર કરવામાં આવે અને વાજબી ભાવે એ રોપા કિસાનોને મળે. અત્યારે ખારેકના ટિશ્યૂ કલ્ચરના રોપામાં સરકાર તરફથી રૂા. 1250ની સબસિડી મળે છે તે વધારવામાં આવે, અત્યારે દેશી ખારેકના ટિશ્યૂ કલ્ચરના રોપા રૂા. 3500થી 4000ના ભાવે અને ઇઝરાયેલી બરહી ખારેકના રોપા 3000થી 3200 રૂા.ના ભાવે મળે છે. આ ભાવમાં 50 ટકા સબસિડી રાજ્ય સરકાર આપે. ઉલ્લેખનીય છે કે સ્વ. મધુભાઇ માંકડ (કાકા)એ કચ્છ ડેટ ગ્રોવર એસોસિયેશનની સ્થાપના કરી ખારેક પકવતા બાગાયતી ખેડૂતોને મદદરૂપ થવાનો હેતુ સેવ્યો હતો. ખેતીવાડી મંત્રી શ્રી ફળદુને મળવા જનારા પ્રતિનિધિ મંડળમાં ખેડોઇના પ્રગતિશીલ કિસાન વિક્રમસિંહ જાડેજા, ધ્રબના હુશેનભાઇ તુર્ક (તલાટી), પાંતિયાના પ્રફુલ્લભાઇ પટેલ ઉપરાંત સાડાઉ કૃષિ  વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક હિરેનભાઇ મેવાડાનો સમાવેશ થાય છે. પ્રતિનિધિ મંડળની રજૂઆતમાં ખારેક પેકિંગ હાઉસની તમામ અરજી સ્વીકારવામાં આવે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ સમક્ષની પેન્ડિંગ અરજીઓને મંજૂરી આપવામાં આવે. ખેતીવાડી ખાતું ખેત ઓજારની યોજનાઓમાં ડ્રોમાં રહી ગયેલા ખેડૂતોને બીજા વર્ષે પ્રાથમિક્તા આપવામાં આવે તેવી માગણીઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સચિવાલયમાં શ્રી ફળદુની ચેમ્બરમાં પ્રતિનિધિ મંડળે ખારેકમાંથી તૈયાર કરેલું નેચરલ ખારેક જ્યુશ પીવડાવ્યું હતું. પ્રતિનિધિ મંડળના વિક્રમસિંહના જણાવ્યા અનુસાર શ્રી ફળદુએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને ખેતીવાડી અને બાગાયતના અગ્ર સચિવને જરૂરી સૂચના આપી હતી. કોલ્ડ સ્ટોરેજ  (શીતગૃહ)ની લોન માટે બેન્ક ખાનગી જમીન બિનખેતી થઇ ગયેલી છે તેનો આધાર માંગે છે. આ નિયમમાં બદલાવની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છના નાયબ બાગાયત નિયામક શ્રી મોઢને સાથે રાખીને નજીકના સમયમાં ગાંધીનગર જશે અને ખારેકની ખેતી સંદર્ભે રજૂઆતો કરશે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer