ગમે તેટલા સમૃદ્ધ છતાં લગ્ન તો સમૂહમાં જ

ગમે તેટલા સમૃદ્ધ છતાં લગ્ન તો સમૂહમાં જ
વસંત પટેલ દ્વારા-
કેરા (તા. ભુજ), તા. 23 : સમૂહલગ્નો સમય-શક્તિ બચાવવા માટે છે, એનો અર્થ એ કદાપિ નથી કે જેની પાસે અઢળક સંપત્તિ હોય તે બળિયો દેખાવા શ્રીમંતાઈનું પ્રદર્શન લગ્નો દ્વારા કરે.. ગમે તેટલા સમૃદ્ધ થઈએ, લગ્ન તો સમૂહમાં જ કરશું. આવા પ્રેરક સંકલ્પ સાથે નાઈરોબી લેવા પટેલ સમાજે 25મા સમૂહલગ્ન રંગેચંગે યોજ્યાં હતાં. 15 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. સામૂહિક કરિયાવર થયાં હતાં. વિદેશમાં નામ-દામ કમાયા છતાં બચતના ગુણ અકબંધ રાખી નાઈરોબી લેવા પટેલ સમાજે 25મા લગ્નોત્સવ સમૂહમાં યોજી અન્ય ભારતીયો માટે પ્રેરણા સર્જી છે એવું કહેતાં હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના ઉપપ્રમુખે આશીર્વાદ આપ્યા હતા. પરંપરા, પરિવાર પ્રેમ, માતા-પિતા, સાસુ-સસરાની આમાન્યા ટકાવી રાખવા અગ્રણી લક્ષ્મણભાઈ રાઘવાણીએ શીખ આપી હતી. પ્રારંભે સૌને આવકારતાં નાઈરોબી સમાજના ચેરમેન ભીમજીભાઈ હાલાઈએ સૌનો આભાર માન્યો હતો. સમૂહલગ્નના કન્વીનર જયંતીભાઈ પ્રેમજી કેરાઈ (સદામ)એ કચ્છમિત્રને વિગત આપતાં કહ્યું કે, સવારે ગણેશ સ્થાપન, આરતી પૂજા, માંડવો, હસ્તમેળાપ અને કન્યા વિદાય હિન્દુ વૈદિક વિધિ સાથે સંપન્ન કરાયા હતા. નાઈરોબી વસતા કચ્છીઓનો રવિવાર લગ્નોત્સવના ઉમંગે ઊજવાયો હોવાનું સમાજના મંત્રી નારાણભાઈ વડોદરિયાએ જણાવ્યું હતું. ઉદ્યોગપતિ દાતા કે.કે. પટેલ (કે. સોલ્ટ), પૂર્વ પ્રમુખ આર.ડી. વરસાણી, પૂર્વ ટ્રસ્ટી રામજીભાઈ ગામી, પરબતભાઈ પિંડોરિયા, પૂર્વ આફ્રિકા, કચ્છ સત્સંગ લંગાટા મંદિરના પ્રમુખ, કારોબારી સર્વે જોડાયા હતા. સમગ્ર આયોજન નાઈરોબી લેવા પટેલ સમાજના કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓએ જ્ઞાતિના યુવક-યુવતી મંડળ સૌ કોઈના સહિયારા પ્રયાસે સફળ બનાવ્યું હતું. 37 જેટલી વસ્તુઓનું સામૂહિક કરિયાવર કરાયું હતું. સ્થાનિક દુર્ગમ વિસ્તાર માટે પાણીના બોરવેલ બનાવી દેવા દાન જાહેર કરાયું હતું. દર વર્ષ કરતા અનોખી સજાવટ કન્વીનર જયંતીભાઈ સદામના નેજા હેઠળ લગ્ન સમિતિએ સજાવી હતી. ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, યુ.કે. કોમ્યુનિટી પ્રમુખ વેલજીભાઈ વેકરિયાએ શુભેચ્છા આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer