ગાંધીધામમાં બે વર્ષથી લોકમેળાનો અભાવ : લોકો ત્રસ્ત

ગાંધીધામમાં બે વર્ષથી લોકમેળાનો અભાવ : લોકો ત્રસ્ત
ગાંધીધામ, તા. 23 : પંચરંગી એવા આ સંકુલના લોકો માટે વર્ષોથી પાલિકા દ્વારા આનંદ મેળાનું આયોજન કરાતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી આ મેળાનું આયોજન ન થતાં મધ્યમવર્ગીય અને શ્રમિક લોકોને સાતમ આઠમના ક્યાં જવું તે પ્રશ્ન થઈ પડયો છે. બીજીબાજુ આ મેળો ન થતાં પાલિકાને લાખોનો ધુંબો પણ લાગી રહ્યો છે. અહીંની પાલિકા દ્વારા સાતમ-આઠમના દિવસોમાં વર્ષોથી આનંદ મેળાનું આયોજન કરાતું હતું. જેમાં શ્રમિક અને મધ્યમવર્ગીય લોકો મોજ માણતા હતા. પરંતુ ગયા વર્ષે આ મેળાનું આયોજન કરાયું નહોતું. જેના કારણે આ સંકુલના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો હતાશ થયા હતા. આ વર્ષે પાલિકાએ એકાદ વખત મેળા અંગે જાહેરાત આપી હતી પરંતુ રામલીલા મેદાનમાં મલબો નાખી દેવાતાં આવી પરિસ્થિતિ જોઈને એકેય કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો ન હતો. ટેન્ડર ભરાવાના તો દૂર કોઈ ટેન્ડર ફોર્મ લેવા પણ ફરક્યું નહોતું. બીજી બાજુ ડીપીટીના મેદાનમાં ખાનગી મેળો છેલ્લા બે-ત્રણ વર્ષથી યોજાય છે. જે સત્તાપક્ષના અમુક હોદ્દેદારો અને તેમના સંબંધીઓ દ્વારા યોજાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો પાલિકા દ્વારા આયોજિત મેળો સફળ રહે તો ખાનગી મેળાની હવા નીકળી જાય માટે પાલિકાનો આનંદ મેળો ન યોજાય અને ખાનગી મેળાને ઘી કેળા થઈ પડે તે માટેનું આ ષડયંત્ર હોવાનું પણ બહાર આવી રહ્યું છે. ખાનગી મેળાના સંચાલકોને ખટાવવા આ બધી રમત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પાલિકાની આવી નીતિના કારણે સંકુલના મધ્યમવર્ગીય અને શ્રમિક લોકો હતાશ થયા છે. બીજીબાજુ ખાનગી મેળાની ટિકિટ મોંઘી તથા તેની અંદર લાગેલા સ્ટોલ પણ મોંઘા હોવાથી નબળા લોકોનું તેમાં જવું અઘરું છે. પાલિકા જાણી કરીને રામલીલા મેદાનમાં આનંદ મેળાનું આયોજન કરતી નથી જેના કારણે પાલિકાની જ તિજોરીને ફટકો પડી રહ્યો છે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer