સીજીએસટી વાર્ષિક રિટર્ન ભરવાથી ફાયદો

સીજીએસટી વાર્ષિક રિટર્ન ભરવાથી ફાયદો
ગાંધીધામ, તા. 23 :જુલાઈ, 2017માં કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ટેક્સના સૂત્ર સાથે ગત જુલાઈ 2017માં અમલમાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.)ના વાર્ષિક રિટર્ન ભરવા માટે કરદાતાઓમાં જાગૃતિ ફેલાવવા ગાંધીધામ ખાતે આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જી.એસ.ટી. પ્રશાસન દ્વારા રિટર્ન ભરવા અંગેની વિસ્તૃત માહિતી અને તેના ફાયદા અંગે જાણકારી અપાઈ હતી. જી.એસ.ટી. ભવન ખાતે યોજાયેલી કાર્યશાળાને સંબોધતા સી.જી.એસ.ટી. કમિશનર પ્રમોદ વસાવેએ જણાવ્યું હતું કે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાથી ભવિષ્યમાં પણ ખૂબ ફાયદો થશે. કરદાતાઓને જો કોઈ સમસ્યા હોય તો કચેરીમાં સેવાકેન્દ્ર ખાતે  માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જરૂર પડયે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતુ કે  રિટર્ન ભરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગાંધીધામમાં વિવિધ સ્થળે માહિતી દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા છે. એક વખત અગાઉના વર્ષ સુધીનું વાર્ષિક રિટર્ન ફાઈલ થઈ ગયા બાદ પછીના વર્ષમાં કામગીરીમાં સરળતા આવી જશે તેવો વિશ્વાસ શ્રી વસાવેએ વ્યકત કર્યો હતો. આગામી દિવસોમાં ગાંધીધામ ચેમ્બર સાથે બેઠક યોજી ટ્રેડને માર્ગદર્શન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. મદદનીશ કમિશનર શશિકાંત શર્માએ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મમાં કયા શું શું વિગતો ભરવાની છે તેની વિસ્તૃત માહિતી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જે લોકો કોમ્પોઝીશનમાં  છે તેઓએ પણ વાર્ષિક રિર્ટન ફાઈલ કરવાનું જ છે. જે કોમ્પોઝીશનમાં હતા અને બાદમાં રેગ્યુલરમાં આવી ગયા તેમણે અને રેગ્યુલર ટેકસ પેયરે ફોર્મ 9 ભરવાનું રહેશે. 2 કરોડથી વધુ રકમવાળા કરદાતાએ 9-એ ઉપરાંત 9-સી પણ ભરવાનું રહેશે તેવી માહિતી આપી હતી. ઉપસ્થિત લોકોએ પૂછેલા સવાલોનો અધિકારીઓએ જવાબ આપી સમસ્યાનું સમાધાન કર્યું હતું. આ વેળાએ જોઈન્ટ કમિશનર મિલનકુમાર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer