ભુજના મણિયાર ફળિયામાં મોબાઇલ ટાવરમાં આગ લાગતાં લોકો ભયભીત

ભુજ, તા. 23 : શહેરના મણિયાર ફળિયામાં આજે સવારે મોબાઇલ ટાવરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ખડો થયો હતો. જો કે, ભુજ સુધરાઇની ફાયર શાખાની ટીમે તાત્કાલિક ધસી જઇ આગને કાબૂમાં લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભુજમાં સરપટ ગેટ રોડ પર મણિયાર ફળિયામાં મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ તેમજ હોસ્ટેલ ઉપર નખાયેલા ટાવરમાં કોઇ કારણોસર એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જેને પગલે ધુમાડાના ગોટે ગોટા ઊઠતાં આસપાસના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલ તેમજ હોસ્ટેલ ઉપર અગાઉ ત્રણ ટાવર નખાયા હતા. જેમાંથી બે ટાવર ઉતારી લેવાયા હતા અને આજે એક ટાવર ઉતારવાની કામગીરી દરમ્યાન આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ સુધરાઇની ફાયર શાખાના સચિન પરમાર, જિજ્ઞેશ જેઠવા, સાવન ગોસ્વામી, યશપાલાસિંહ વાઘેલા, પીયૂષ સોલંકી, મહેશ લોહરા સહિતની બે ટીમ ઘટનાસ્થળે ધસી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઇ અનિચ્છનીય બનાવ ન બનતાં લોકોએ રાહત અનુભવી હતી. આ ઘટનાને પગલે મોબાઇલ ટાવર દૂર કરવા રહેવાસીઓ દ્વારા માંગ ઊઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ મોટી વિરાણીમાં ખાનગી કંપનીના મોબાઇલ ટાવરમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે ખાસ કરીને રહેણાક વિસ્તારોમાં આવેલા ટાવર મુદ્દે અનેક જાગૃત નાગરિકોમાં ચિંતા ફેલાઇ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer