મુંદરામાં રજાના દિવસે કસ્ટમના જરૂરી સ્ટેમ્પ ન લાગતાં થઈ રહેલી પરેશાની

ગાંધીધામ,તા. 23: મુંદરા બંદર ખાતે કસ્ટમ બોન્ડેડ એરિયામાં રજાના દિવસોમાં સ્ટેમ્પ ન લાગતા હોવાની સમસ્યાના કારણે આયાત નિકાસકારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ પરિસ્થિતિ જાણી ખુદ જીએસટી પ્રશાસન પણ ચોંકી ઊઠયું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ઝોનમાં જતા માલ ઉપર લેટર ઓફ અન્ડરટેકિંગ વર્ષમાં એક વખત મળે જેના આધારે ઝોનમાં જતા માલ ઉપર જી.એસ.ટી લાગે નહીં. આ માટે વર્ષ દરમ્યાન આવતા માલના ઈનવોઈસ ઉપર કસ્ટમના અધિકારીઓનો સ્ટેમ્પ હોવો જરૂરી છે. મુંદરા સેઝ ખાતે જરૂરિયાત મુજબ તમામ દિવસોમાં માલ જતો જ હોય છે. પરંતુ શનિવારે અને રવિવારે રજાના દિવસોમાં કસ્ટમના અધિકારીઓ હાજર ન હોવાના કારણે માલના ઈનવોઈસ ઉપર બે દિવસ સુધી કસ્ટમના સ્ટેમ્પ લાગતા નથી અને બાદમાં પણ બાકી ઈનવોઈસ ઉપર સ્ટેમ્પ લગાડી દેવામાં આવતા ન હોવાનું આયાત નિકાસકારોએ જણાવ્યું હતું. આજે વાર્ષિક  રિટર્ન ફાઈલ સંદર્ભે યોજાયેલા સેમિનારમાં આ મુદો ઊઠયો હતો.  અધિકારીઓની ગેરહાજરી અંગે ખુદ જી.એસ.ટી કમિશનર ચોંકી ઊઠયા હતા. અને તેમણે આ મુદે મુંદરા કસ્ટમના ડીસીને શનિવારે રવિવારે અધિકારીઓને હાજર રાખવા માટેની સૂચના આપવા ખાતરી આપી હતી. ઓડિટ દરમ્યાન ઈનવોઈસ ઉપર સ્ટેમ્પ ન હોય તો માલ ઝોનમાં ગયો નથી તેવું કહી આયાત નિકાસકારોને પાછળથી  12 ટકા જી.એસ.ટી ભરવાનું કહેવામાં આવે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer