ભુજની જનરલ હોસ્પિટલને છાશવારે બાનમાં લેતા તત્ત્વોનાં `ઓપરેશન'' માટે પોલીસ કટિબદ્ધ

ભુજ, તા. 23 : ધરતીકંપ બાદ વડાપ્રધાન રાહત ફંડમાંથી રૂા. 170 કરોડના ખર્ચે બનાવાયેલી અને બાદમાં જેનું સંચાલન ખાનગી કંપની અદાણીને સોંપી દેવામાં આવ્યું છે તેવી જિલ્લાની સૌથી મોટી એવી અત્રેની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા લાંબા સમયથી તબીબી સેવામાં ઊણપો અને સાધનસામગ્રીની અછત સહિતના અવનવા મુદ્દા આગળ ધરીને આ આરોગ્યધામના વહીવટને રીતસરનો `બાન'માં લઇ લેતા તત્ત્વો સામે કડક હાથે કામ લેવાનું પોલીસદળે મન બનાવી લેવા સાથે આ માટે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢી તેને અમલમાં પણ મૂકી દીધો છે. તબીબી સેવામાં મુશ્કેલી, વિક્ષેપ કે કનડગત સર્જે તેવી કોઇ જ પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તેવી ચીમકી પોલીસદળે આપી છે. કચ્છ સહિત ચાર પોલીસ જિલ્લાને સાંકળતી બોર્ડર રેન્જના આઇ.જી.  ડી.બી. વાઘેલાએ પહેલ કરી છે. તેમણે ખાસ કહ્યું છે કે ઇન્ટર્નશિપ કરતા અથવા તો મેડિકલનો અભ્યાસ કરતા છાત્રો સાથે દુર્વ્યવહાર અસ્વીકાર્ય છે. આવા બનાવોમાં હોસ્પિટલ મેનેજમેન્ટે ફરિયાદ કરવા આગળ આવવું જોઇએ. અન્યથા પોલીસ ખુદ પહેલ કરીને ફરિયાદી બનશે. આરોગ્યધામ અને મેડિકલ પ્રેક્ટિસનું ગૌરવ જળવાવું જોઇએ.સમયસર કે યોગ્ય સારવાર ન મળવી ઉપરાંત એમ્બ્યુલન્સ અને દવાઓ સહિતની સવલતો ન મળવી કે સેવાને લગતા અન્ય મુદ્દાઓ આગળ ધરી જનરલ હોસ્પિટલ અને તેના વહીવટકર્તા માટે મુશ્કેલરૂપ બને તેવી પરિસ્થિતિ છેલ્લા લાંબા સમયથી અમુક તત્ત્વો સર્જતા આવે છે. બે દિવસ પહેલાં તબીબ ઉપર હુમલા સહિતના હંગામાની ગંભીર ઘટના બન્યા બાદ અંતે દાદાગીરી અને ધાકધમકી સહિતના પરિબળોવાળી આ પ્રવૃત્તિને સખત હાથે ડામી દેવા માટે  પોલીસતંત્ર આગળ આવ્યું છે. આ હોસ્પિટલ સંકુલમાં તબીબી કોલેજ પણ ચાલુ છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરનારા છાત્રો ઇન્ટર્નશિપ તળે તબીબી સેવા આપવાની ફરજ ઉપર પણ મુકાતા હોય છે. આવા નવયુવાનોને અમુક તત્ત્વોની કનડગત સમયે વ્યાપક તકલીફો પડી રહી છે. તો જ્યારે જ્યારે બબાલ કે ડખ્ખા થાય છે ત્યારે હોસ્પિટલનું સંચાલન સંભાળતા વહીવટકર્તાઓ કાયદાકીય કાર્યવાહી કરવા માટે આગળ ન આવતા હોવાથી તબીબી ક્ષેત્રના છાત્રો અને હોસ્પિટલ સ્ટાફને વ્યાપક હાલાકી ખમવાનો વારો આવી રહ્યો છે. આવી તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને મુઠ્ઠીભર તત્ત્વોની કનડગતનો કાયમી ઇલાજ લાવવા પોલીસનું ઓપરેશન આરંભાઇ ચૂકયું હોવાનું બહાર આવ્યું છે. કચ્છ સહિત ચાર પોલીસ જિલ્લાને સાંકળતી સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક ડી.બી. વાઘેલાએ આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે તબીબી છાત્રો અને સ્ટાફને થતી વારંવારની આવી કોચવણનો કાયમી નિકાલ કરવાની દિશામાં પગલાં અમલી બનાવાયા છે. એકબાજુ હોસ્પિટલના વહીવટકર્તાઓને જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાએ બોલાવીને તેમની સાથે પરામર્શ કરવા સાથે વિવિધ પગલાંને આખરી ઓપ આપવાની સૂચના આપી છે. આવી બેઠક આગામી બે-ત્રણ દિનમાં  ફરીથી યોજાશે. ડખ્ખો કરનારા તત્ત્વો કઇ હેસિયતથી હોસ્પિટલ સંકુલમાં આવે છે તેના સહિતની બાબતોના પણ વહીવટકર્તાઓ પાસેથી પોલીસે પૂછાણા લીધા હતા. જનતાના કહેવાતા `સુપરવાઇઝર' બનીને વારંવાર હોસ્પિટલમાં ધસી આવતા `નેતાઓ'ને કાયદાએ આવો કોઇ અધિકાર આપ્યો નથી.દરમ્યાન હોસ્પિટલના આ દર્દના ઓપરેશન માટે રેન્જ કચેરીએથી રેપિડ રિસ્પોન્સ સેલ અને સાયબર સેલના સ્ટાફની ટુકડીઓ હોસ્પિટલમાં વારાફરતી મોકલવા આયોજન અમલી બનાવાયું છે. જેઓ બહારના તત્ત્વો ગમે ત્યાં પાર્કિંગ સહિતની હરકતો કરી રહ્યા છે તેમની સામે કડક હાથે કામ લેશે, તેવું કહેતાં આઇ.જી. શ્રી વાઘેલાએ ઉમેર્યું હતું કે તબીબી સેવામાં મુશ્કેલી કે અંતરાય ઊભા કરવાની પ્રવૃત્તિ હરગીઝ ચલાવી નહીં લેવાય.  આમ કરવાનો હેતુ માત્ર મેડિકલ છાત્રોને હેરાનગતિ ટાળવાનો જ થાય. હોસ્પિટલ સંકુલમાં મેડિકલ છાત્રાની હોસ્ટેલની બારી સામે બેઠક જમાવતા તત્ત્વોની રંજાડ સહિત હોસ્પિટલનું આ `ન્યૂસન્સ' કાયમીપણે દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં તેમણે એવી ખાતરી આપી હતી કે ભોગ બનનારા કોઇપણ ફરિયાદ માટે આગળ આવશે તો પોલીસ નશ્યતરૂપ પગલાં લેશે. આ માટે સંબંધિતોને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer