સામખિયાળી પાસે ટ્રેનની હડફેટે યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 23 : ભચાઉના સામખિયાળી નજીક કોઇ ટ્રેન હડફેટે ચડતાં આકાશ મોહન પ્રજાપતિ (ઉ.વ. 24) નામનાં યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ અંજારનાં માથક નજીક બાઇક પરથી પડતાં ચંદ્રિકાભાઇ શાહ નામના યુવાનનું મોત થયું હતું. સામખિયાળીમાં રહેનારો અને પરિવાર સાથે ડુંગળીનો વેપાર કરનારો આકાશ નામનો યુવાન રેલવે મથકથી દૂર ટ્રેનના પાટા બાજુ ગયો હતો. તે રેલવે કિ.મી. નંબર 742/5 નજીક ડાઉન લાઇન ઉપર હતો ત્યારે કોઇ ટ્રેનની હડફેટે ચડતાં તેનું તત્કાળ મોત થયું હતું. આ યુવાને આપઘાત કર્યો હતો કે અકસ્માતે તેનું મોત થયું હતું, આ યુવાન અહીં કેવી રીતે અને શા માટે આવ્યો હતો તે બાબતો હજુ અકબંધ છે. બીજી બાજુ માથકથી આદિપુર વચ્ચે ગત તા. 21-8ના બપોરે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કુંદરોડીમાં રહેતા ચંદ્રિકાભાઇ શાહ અને અમિતકુમાર રાધાકિશન શાહ નામના યુવાનો બાઇક નંબર જી.જે. 12-બીકયુ 9953થી ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા. દરમ્યાન માથક નજીક વળાંક પર કૂતરા આડા આવતાં તેને બચાવવા જતાં આ બાઇક સ્લિપ થયું હતું. જેમાં ગંભીર ઇજાઓના પગલે ચંદ્રિકાનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer