ગાંધીધામ રેલવે મથકે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ

ગાંધીધામ, તા. 23 : રેલવે પ્રશાસન દ્વારા દેશભરના મોટા શહેરોના રેલવે સ્ટેશનો ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યો છે ત્યારે હવે કચ્છ સહિત રાજ્યના એ- કેટેગરીના સ્ટેશનોની શોભામાં વધારો કરવા ઊંચો ઝંડો  પ્રસ્થાપિત કરવાની દિશામાં કવાયત આદરવામાં આવી છે. જેથી ગાંધીધામ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. દરમ્યાન કચ્છના સાંસદ દ્વારા  પણ ડિવિઝનલ રેલવે મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા વર્ષ 2018થી આ પ્રકલ્પનો આરંભ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ સહિતના એ-વન કેટેગરીના રેલવે સ્ટેશન પરિસરમાં 100 ફૂટ ઊંચો ત્રિરંગો સ્થાપવામાં આવ્યો છે. હવે એ-કેટેગરીના સ્ટેશનોની શોભામાં  100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ વધારો કરશે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ડિવિઝનલ રેલવે  મેનેજરને પત્ર પાઠવી આ મામલે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીધામ માત્ર કચ્છ જ નહીં રાજ્યનું ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રનું મહત્ત્વનું કેન્દ્ર છે. કંડલા અને મુંદરા બંદરના નજીકના આ શહેરની આસપાસ પોર્ટ આધારિત ઉદ્યોગો, શિપિંગ નમક ઉત્પાદનનાં એકમો અહીં ધમધમે છે. જેથી આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળના સભ્યો, ઉદ્યોગ જૂથના અગ્રણીઓ પ્રવાસીઓની સતત હાજરી અહીં રહે છે. ગાંધીધામ રેલવે સ્ટેશન કચ્છનું તોરણ છે. સ્ટેશનનું સૌંદર્યકરણ માટે  અનેક  પગલાં લેવાયાં છે ત્યારે રેલવે મંત્રાલયના નિયમ અનુસાર ગાંધીધામમાં પણ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ પ્રસ્થાપિત કરવા અનુરોધ કરાયો છે.  ગાંધીધામની સાથે ભુજમાં પણ આ પ્રકલ્પ હાથ ધરાશે તેવું રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer