`જન્મભૂમિ પત્રો''ના મોભી અમૃતલાલ શેઠ અને મનુભાઇ શેઠના સ્મરણમાં અનોખો મહોત્સવ

રાજકોટ, તા. 23 : જન્મભૂમિ જૂથના પ્રવાસી રહી ચૂકેલા અને આ ગ્રુપનો પાયો નાખનારા પ્રખર રાષ્ટ્રભક્ત, નીડર પત્રકાર અને આજન્મ લોકસેવક એવા અમૃતલાલ શેઠ અને શૈક્ષણિક, તબીબી અને સામાજિક સંસ્થાઓના પ્રણેતા તેમના પુત્ર મનુભાઈ શેઠનું જન્મવર્ષ આવી રહ્યું છે તે નિમિત્તે પિતા-પુત્રની બેલડીનું સ્મરણ કરીને તેમના સંસ્કારોને અનુસરવાની પ્રેરણા મળે તે હેતુથી શેઠ પરિવાર દ્વારા મહોત્સવ શીર્ષક હેઠળ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 2પમી ને રવિવારે સવારે 9:30 થી 1 મુંબઈના નરીમાન પોઈન્ટ પર આવેલા વાય.બી. ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં અતિથિવિશેષપદે જન્મભૂમિ જૂથના મેનેજિંગ તંત્રી કુંદનભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. અમૃતલાલ શેઠની જન્મ તારીખ 2પ ઓગસ્ટ છે જ્યારે તેમના પુત્ર મનુભાઈ શેઠની જન્મ તારીખ 26 ઓગસ્ટ છે. આ અવસરે શેઠ પરિવાર દ્વારા યોજવામાં આવેલા મહોત્સવ કાર્યક્રમમાં વક્તા તરીકે કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહેશે, જ્યારે જાણીતા ગાયક દંપતી રૂપકુમાર રાઠોડ અને સુનાલી રાઠોડ સુરાવલી થકી શ્રોતાઓને ડોલાવશે. જેમના સ્મરણમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તે અમૃતલાલ શેઠનું વ્યક્તિત્વ ઉત્તંyગ શિખર જેવું હતું. એમને સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ મળ્યું હતું. અમૃતલાલ શેઠ જવાંમર્દ પત્રકાર હતા. જૂની ક્ષાત્રવટ, વીરતા, શૌર્ય, બલિદાન વિશે તેમને અસીમ કુદરતી પ્રેમ હતો. જ્યારે સરદાર પટેલ દ્વારા રિયાસતોના એકીકરણનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે સરદાર મુંબઈ આવ્યા હતા અને અમૃતલાલ શેઠ તેમને મળવા ગયા હતા. એ સમયે સરદારે પૂછ્યું, કેમ અમૃતલાલ ! આથી વધારે તમારે શું જોઈતું હતું ? શેઠે ત્યારે હર્ષથી ઝૂમીને મસ્તક નમાવ્યું હતું. અમૃતલાલ શેઠના જયેષ્ઠ પુત્ર મનુભાઈ શેઠની વાત કરીએ તો તેમણે નાની વયથી જ કુટુંબસેવાની અને વ્યવહારની કપરી જવાબદારી ઉપાડી લીધી હતી. ક્રાંતિકારી પિતાના જીવનમાંથી સ્વદેશપ્રેમ ઝંખના, રાષ્ટ્રીય અને સેવાભાવનાના ઉત્કૃષ્ઠ સંસ્કારો મનુભાઈ શેઠને ગળથૂથીમાં જ મળ્યા હતા. તેઓ જન્મભૂમિ જૂથના પત્રોના સંચાલક, સ્ટેટ્સ પીપલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર હોવા ઉપરાંત મુંબઈની તેમજ સૌરાષ્ટ્રમાં લીંબડી અને રાણપુરની અનેક સામાજિક તેમજ શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. રાણપુરના ફૂલછાબમાંથી પત્રકારત્વની મુખ્ય શાખાઓનો સઘળો અનુભવ મેળવી, મુંબઈમાં જન્મભૂમિ પત્રોમાં, એના વ્યવસ્થાપનમાં સારી એવી હથરોટી જમાવી હતી. તેઓ માનવતાની પ્રવૃત્તિઓમાં એટલો જ રસ લેતા હતા. મનુભાઈ શેઠને તેમના પત્ની શાંતાબેન શેઠે દરેક વાતમાં સાથ આપ્યો. તેમના ચારેય સંતાનોએ સંસ્કારનો વારસો જાળવી રાખ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer