આદિપુર તોલાણી સ્વનિર્ભર વિજ્ઞાનના વર્ગોને અંતે મંજૂરી

ગાંધીધામ,તા. 23 : ધે. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ પ્રથમ વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા વખતે કચ્છ યુનિવર્સિટી દ્વારા તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રદ કરાયેલા વિજ્ઞાન પ્રવાહના સ્વનિર્ભર વર્ગને આખરે આજે પુન: મંજૂરી આપી દેવાતાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ વાલીઓમાં રાહતની લાગણી પ્રસરી છે. કોલેજ દ્વારા સોમવારથી ત્રણ દિવસ સુધી પ્રવેશ પ્રક્રિયા  હાથ ધરવામાં આવશે. આ અંગે મળતી વિગતો મુજબ  આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં પણ દર વર્ષ કરતાં વધુ ધસારો રહ્યો હતો.  કોલેજ ખાતે બપોરના સમયે ચાલતા સ્વનિર્ભર વર્ગો યુનિવર્સિટી દ્વારા રદ કરી દેવાતાં સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ  સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. હાલ યુનિવર્સિટીમાં કુલપતિ પદ ઈન્ચાર્જ હોવાથી કોલેજ દ્વારા  વર્ગ મંજૂરી માટે નવેસરથી કારાયેલી અરજી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં લાંબા અરસાથી પડતર હતી. પ્રવેશથી વંચિત રહી ગયેલા અંદાજે 250થી વધુ  વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા કોલેજમાં વર્ષ 2019-20  માટેના સ્વનિર્ભર વર્ગને શરતી મજૂરી આપવામાં આવી છે. કોલેજના આચાર્ય ડો.સુશીલ ધર્માણીના જણાવ્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓએ ફોર્મ યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ભરેલું હશે તેમને પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ તા.26-8થી તા.28-8 સુધી કાર્યાલય સમય દરમ્યાન અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવાયું છે. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજય સ્તરે અને જિલ્લા કલેકટર સમક્ષ વિદ્યાર્થીઓના હિતમાં વર્ગને મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer