ભુજમાં રાત્રે તબીબોની વીજળિક હડતાળ

ભુજમાં રાત્રે તબીબોની વીજળિક હડતાળ
ભુજ, તા. 21 : અહીંની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે દર્દીની સારવારમાં મોડું થવાના મુદ્દે રાજકીય-સામાજિક કાર્યકર દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રેસિડેન્ટ તબીબને ગાળો આપી માર મારવાની ધમકી આપી હોવાથી તમામ તબીબો અને સ્ટાફ રોષે ભરાતાં વીજળિક હડતાળ પર ઊતરી ગયા છે. રાત્રે આ બાબતે મેનેજમેન્ટ તથા તબીબો બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા ધસી ગયા હતા. આજે રાત્રે ભુજના નારાણપર ગામે સાઇકલ પર જતા કેરા ગામના અબ્દુલ ગની હાજી અલીમામદ જરંગ (ઉ. વ. 60) અને ખોજા મહેબૂબઅલી અકબરઅલી (ઉ. વ. 58)ને અજાણી કારે ટક્કર મારતાં તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતા. ઘાયલ થયેલા દર્દીને અસ્થિભંગ હોવાથી તબીબે એક્સ-રે રિપોર્ટ કરાવવા જણાવતાં સાથે આવેલા સંબંધીઓએ પ્રાથમિક સારવાર કરી રજા આપવા કહ્યું હતું. દરમ્યાન અન્ય એક ઇમરજન્સી કેસ આવી જતાં તબીબો તથા ટીમ ત્યાં પરોવાયા હતા. દરમ્યાન રાજકીય-સામાજિક અગ્રણી હસન સુમરા ત્યાં આવી ચડતાં સારવાર બાબતે ઓર્થોપેડિક વિભાગમાં ફરજમાં રુકાવટ કરી ગાળો આપી માથાકૂટ કરવાની સાથે ધાકધમકી કરી હતી. આ બાબતે હોસ્પિટલમાં ટોળાં એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાક્રમના પ્રત્યાઘાતરૂપે હોસ્પિટલનો તબીબો સહિતનો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો હતો. આ લખાય છે ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબોએ બી-ડિવિઝન પોલીસ મથકે હસન સુમરા વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. કચ્છમિત્ર સાથે હોસ્પિટલના સ્ટાફે વાત કરતાં જણાવ્યું હતું કે, આ હસન સુમરા નામની વ્યક્તિએ અગાઉ પણ ફરજ દરમ્યાન રુકાવટ કરી હતી. આવી રાજકીય દખલગીરીનો વિરોધ સ્ટાફમાં સ્પષ્ટ નજરે પડતો હતો અને આવા તત્ત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. દરમ્યાન હડતાળ વચ્ચે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલુ હોવાનું નજરે પડયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer