ગાંધીધામ સંકુલમાં આંકડાના છ જુગારધામનો પર્દાફાશ

ગાંધીધામ સંકુલમાં આંકડાના છ જુગારધામનો પર્દાફાશ
ગાંધીધામ, તા. 21 : આ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી ધાર્મિક યંત્ર વેચાણના નામે ચાલતા આંકડાના જુગારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. હાઇકોર્ટના કેસ નંબરનું પાટિયું મારીને ચાલતા જુગારધામ ઉપર પ્રથમ ગાંધીધામના ઓસ્લો પાસે તથા બાદમાં આદિપુરમાં ચાર જગ્યાએ અને ગાંધીધામની હોટલ હાજીપીર નજીક એમ કુલ્લ 6 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે મુખ્ય સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યા નહોતા. આ દરોડા દરમ્યાન રોકડા રૂા. 58,000 તથા 6 કોમ્પ્યુટર વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના ઓસ્લો નજીક પેટ્રોલપમ્પની સામે સેક્ટર ચાર નજીક કેબિન નં. 2માં ભારત ટ્રેડર્સ નામની દુકાનમાં ધાર્મિક યંત્રોના નામે જુગાર ચાલતો હોવાની રજૂઆતો અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનોમાંથી નીકળતા ગ્રાહકોના વીડિયો શૂટિંગ સાથે નિવેદન લેવામાં આવ્યા હતા અને બાદમાં ડમી ગ્રાહકો પણ મોકલવામાં આવ્યા હોવાની વિગતો પત્રકાર પરિષદને સંબોધતાં ડીવાય. એસ.પી. રાધિકા બારાઇએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એચ. એસ. ઓનલાઇન પ્રા. લિમિટેડ નામની કંપની થકી ચાલતા આ 6 દરોડામાં રોકડા રૂા. 58,000 તથા 6 કોમ્પ્યુટર, અમુક ધાર્મિક યંત્રો, ડીવીઆર વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર સંકુલમાં આ પ્રકારની જુગાર ચલાવનારા રજનીકાંત ઉર્ફે મુન્નો ભગવાનજી ગણાત્રા (ઠક્કર) નામનો શખ્સ પોલીસ પકડમાં આવ્યો નહોતો. આ શખ્સે કેબિનોમાં રાખેલા કોમ્પ્યુટરમાં ધાર્મિક યંત્રોના ફોટા બતાવે છે જેમાં એક્કો, ચોગ્ગો વગેરે નંબર આપેલા હોય છે. આ નંબરો ઉપર ગ્રાહક પૈસા લગાડયા બાદ 15 મિનિટ પછી તેનો ડ્રો કરવામાં આવે છે. જો કોઇ ગ્રાહકનો નંબર ખૂલે તો તેને 10ના 100 આપવામાં આવતા હતા. ધાર્મિક યંત્રોનું વેચાણ કરવાની આડમાં ખરેખર આંકડાનો જુગાર રમાડાતો હોવાની માહિતી આ વેળાએ આપવામાં આવી હતી. આ દૂષણ લાંબા સમયથી આ સંકુલમાં ચાલતું હતું. આ જુગાર પોતાના ગ્રાહકો ઓનલાઇન રમી શકે તે માટે એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. અમુક ગ્રાહકો ઓનલાઇન પણ રમતા હોવાનું જાણવા મળ્યું હતું. ઓસ્લો નજીકના દરોડામાં મોટી ખેડોઇના સુલ્તાન આમદ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. તો આદિપુરમાં સિન્ધુવર્ષા પ્લોટ નં. 76 નજીકથી હરેશ કનૈયાલાલ ઉતવાણી, મદનસિંહ સર્કલ પાસેથી મહેશ લક્ષ્મણદાસ માખીજા, ચારવાળી ચાર રસ્તા જય મોગલ એજન્સીમાંથી મૂળજી હીરા ગઢવીની અટક કરાઇ હતી. તો મેઘરાજ ગઢવી નામનો શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો. તેમજ અર્બુદા કોમ્પ્લેક્સ દુકાન નંબર 19માંથી સુરેશ હરિલાલ વિરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીધામની હોટલ હાજીપીર પાસે આવેલા મિરાજ ટી સ્ટોલમાંથી નેલ્સન જોની, શંકર અમરશી પટેલ, વીરજી માંડણ સંજોટ, છગન ભૂરા મૂછડિયા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા પરંતુ રજનીકાન્ત ઉર્ફે મુન્નો હાથમાં આવ્યો ન હતો. આ પત્રકાર પરિષદ વેળાએ બી-ડિવિઝન પી.આઇ. જે.પી. જાડેજા, એ-ડિવિઝન પી.આઇ. ડી.બી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. હાઇકોર્ટના કેસ નંબરના પાટિયા ટીંગાડી ચાલતા જુગારના આંકડાનો પોલીસે પર્દાફાશ કરતાં આવા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.ઐ

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer