જળસંચય વિશેનાં કામો હાથ ધરવા ટેકનોલોજી સહિતની માહિતી અપાઇ

જળસંચય વિશેનાં કામો હાથ ધરવા ટેકનોલોજી સહિતની માહિતી અપાઇ
ભુજ, તા. 21 : જિલ્લા પંચાયત તથા એરિડ કોમ્યુનિટીઝ?એન્ડ ટેકનોલોજી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જળસંચયના કામો બાબતે તાલીમ યોજાઇ હતી. જેમાં જળસંચયનાં કામો હાથ ધરવા બાબતે ટેકનોલોજીનો ઉપયોગ તથા જમીનના પ્રકારો વિષે વિગતવાર જાણકારી મેળવી કયા કામો, કયા સ્થળે, કેવા પ્રકારના કામો હાથ ધરી શકાય તે માટે આ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં મનરેગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ, એપીઓ, વોટર શેડના તાંત્રિક કર્મચારીઓ, તાલુકા પંચાયતના મદદનીશ ઇજનેર, સિંચાઇ વિભાગના અધિક મદદનીશ ઇજનેર જોડાયા હતા. તાલીમમાં સ્થળ મુલાકાત કરી કેવા પ્રકારના જળસંચયના કામો હાથ ધરી શકાય તે માટે થિયરીકલ અને સાઇટ વિઝિટ કરી પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું હતું. આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જળસંચયના કામો જેવા કે ગેબીયન સ્ટ્રકચર, અર્ધનબન, નવા તળાવના કામો, ભૂગર્ભજળ વધારવા માટેના કામો વગેરે હાથ ધરવા માટે વિસ્તૃત માહિતી તથા સમજ આપવામાં આવી અને આ કામો હાથ ધરવા માટે તાંત્રિક બાબતોમાં ધ્યાન રાખવા જેવા મુદ્દાઓની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી તથા ભુજમાં લાલન કોલેજ અને જ્યુબિલી કોલોનીમાં રિચાર્જ પીટના થયેલા કામોની પણ રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જળસંચયના કામો જુદી-જુદી યોજનાને સાંકળીને આયોજન હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યસ્થાને યોજાયેલી આ તાલીમમાં નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એમ. કે. જોશી, સંસ્થાના યોગેશ જાડેજા, જયંતીભાઇ ગોરસિયા તથા પ્રતિનિધિઓ હાજર હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer