શતાયુ સંતવર્યે ઉત્તરાધિકારીની ચાદરવિધિ કરી

શતાયુ સંતવર્યે ઉત્તરાધિકારીની ચાદરવિધિ કરી
માંડવી, તા. 21 : તાલુકાના નાના રતડિયા સ્થિત શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરમાં સદીવીર આજીવન ઉપવાસી યુગપુરુષ મહંત પૂ. ગિરિજાદત્તગિરિજી મહારાજની નિશ્રા અને વરદ હસ્તે શાત્રોક્ત વિધિપૂર્વક ઉત્તરાધિકારી પદે શિષ્ય શંભુગિરિજી મહારાજની ચાદરવિધિ કરાઈ હતી. ટ્રસ્ટીમંડળ અને ભાવિકવૃંદે સંતોની નિશ્રામાં સંતવંદના કરી હતી. ઋષિવર, શ્રીપંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સભાપતિ શતાયુ સંતવર્ય એવા પૂ. ગિરિજાદત્તગિરિજી મહારાજે આશીર્વચનો આપતાં કહ્યું હતું કે, વિશાળ શિષ્યવૃંદ-પરિવારમાંથી અનુગામી (ઉત્તરાધિકારી) તરીકે અનેક કસોટીઓમાંથી પૂજારી શિષ્ય શંભુગિરિજી પાર ઊતર્યા હોવાના અનુભવ બાદ ચાદરવિધિનો નિર્ણય લેવાયો છે. 108 વર્ષની આવરદામાં હવે શરીરની મર્યાદા ધ્યાને લઇ વિશ્વકલ્યાણ સાથે આત્મકલ્યાણાર્થે પ્રવૃત્ત રહી જવાબદારીઓમાંથી મુક્તિની ઘડી આવી છે. શ્રી વિજય હનુમાન મંદિર સંન્યાસ આશ્રમ (પાલનપુર)ના મહંત મહામંડલેશ્વર પૂ. કલ્યાણગિરિજી મહારાજની દોરવણી હેઠળ મંદિર સાથે સ્થાવર-જંગમ અસ્કયામતોનો વહીવટ ?ટ્રસ્ટીમંડળની અનુમતિપૂર્વક વહન કરવાના આધારનું વાચન હિતેશ ચૌહાણે કર્યું હતું. આ પહેલાં શાત્રી જેન્તીલાલ જોશી (રામપર-વેકરા)એ પ્રયોજનનો હેતુ પ્રસ્તુત કર્યો હતો. મહંત મહામંડલેશ્વર પૂ. કલ્યાણગિરિજી મહારાજ, મહંત ધનંજયગિરિજી મહારાજ (ભુજ), મહંત ચંદ્રકાન્તગિરિજી મહારાજ (મોચીરાઇ), માતાજી ગંગામા (મોટા ભાડિયા) આદિ સંતોના હસ્તે ચાદરવિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીમંડળના સામજીભાઇ નાકરાણી, વસંતભાઇ ભદ્રા, રણજિતસિંહ જાડેજા, દેવેન્દ્ર વ્યાસ, બળદેવસિંહ જાડેજા, મનોજ અમૃતિયા, અરજણભાઇ નાકરાણી, હરેશ સિદ્ધપુરા, મૂળજીભાઇ શાહ સાથે શ્રવણસિંહ વાઘેલા, ભરતભાઇ બોડા, દિલીપભાઇ શાહ, દયાળજીભાઇ ભાનુશાલી, સુરેશ ભદ્રા, ભાસ્કર નાકરાણી, કપિલ ભદ્રા, હરિસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા (મુન્નાભાઇ) વગેરે સંતવંદનામાં જોડાયા હતા. પંડિત શાત્રી નાગેશકુમાર શર્મા, શાત્રી દેવેન્દ્ર શર્મા વિગેરેએ આયોજન સંભાળ્યું હતું. ભાવિકો, શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer