ભુજમાં રોટરી વોલસિટી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનો સ્ટોલ ખૂલ્યો

ભુજમાં રોટરી વોલસિટી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનો સ્ટોલ ખૂલ્યો
ભુજ, તા. 21 : ગણપતિ મહારાજની આરાધના વખતે પર્યાવરણની જાણવણી થાય તેવા હેતુસર રાપરમાં વિકલાંગો માટે કાર્ય કરતા ગ્રામ્ય સેવા સંગઠનના દિવ્યાંગો નાળિયેરના રેસામાંથી વિઘ્નેશ્વરાયની  મૂર્તિ બનાવે છે અને તેને મોતીના હાર, ટીકા, આભલા, સિતારા તથા સાચા વત્રોથી સુશોભિત કરીને અત્યારે સંતોષીમાતા મંદિર રોડ પર રેમન્ડ શોપની બાજુમાં વેચાણ માટે ખુલ્લો મુકાયો છે. આજે આ સ્ટોલનો શુભારંભ નગરપાલિકાનાં પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો, તેમની સાથે કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા તથા જયંતભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મૂર્તિની ખાસિયત એ છે કે, તે વજનમાં હલકી હોય છે, નદી, નાળાં કે તળાવમાં પધરાવવાથી પર્યાવરણની જાળવણી થાય છે. સાથે દિવ્યાંગ કારીગરોને રોજગાર અપાવવાના ધ્યેય સાથે રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીએ આ વેચાણ માટે સંસ્થાને સહકાર તથા તેના કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા સંપૂર્ણ સહકાર સાથે આ વેચાણ સ્ટોલનું આયોજન કર્યું છે તેવું પ્રમુખ ધર્મેશ મહેતા દ્વારા જણાવાયું હતું. સેક્રેટરી દ્વિજેશ આચાર્યએ સૌને આવકાર્યા હતા, તો ડો. જિગર પટેલ તથા નીતિન પારેખ સહિત મોટી સંખ્યામાં વોલસિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer