વરસાદી નાળાંમાં વહ્યા ગટરનાં પાણી..!

વરસાદી નાળાંમાં વહ્યા ગટરનાં પાણી..!
ગાંધીધામ, તા. 21 : આ શહેર અને સંકુલમાં વરસેલા વરસાદ બાદ ગટરની અનેક લાઈનો બેસી ગઈ હતી અને પાલિકાની પોલ પાધરી પડી ગઈ હતી. તેવામાં ડીસી-5 પાછળ વેલસ્પનના સમ્પ બાજુ જતી 14 ફૂટ જેટલી ઊંડી ગટરલાઈન સવા બે કિ.મી.ના વિસ્તારમાં બેસી જતાં તેનાં પાણી કિડાણામાં ભરાયાં હતાં. જે કિડાણાવાસીઓએ બંધ કરતાં હવે આ પાણી આદિપુરમાં ભરાઈ રહ્યાં છે. અહીંની પાલિકાએ વેલસ્પન કંપનીને કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જે અંતર્ગત ડીસી-5 પાછળ આ ખાનગી કંપનીએ સમ્પ બનાવ્યો છે. જેમાં આદિપુર, ગાંધીધામનું ગટરનું પાણી જાય અને ત્યાંથી તે પાણીને વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં લઈ જવામાં આવે છે. હાલમાં વરસેલા વરસાદ બાદ વેલસ્પને બેસાડેલી ગટરની આ લાઈન સવા બે કિ.મીના વિસ્તારમાં નીચે બેસી ગઈ હતી. દરમ્યાન પાલિકા દ્વારા વચલો રસ્તો કાઢી ત્યાં નાની-નાની નાલી બનાવી આદિપુરનું આ પાણી વેલસ્પનના સમ્પ સુધી પહોંચાડવામાં આવતું હતું. છેલ્લા 8-10 દિવસથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ આદિપુરના જુદા-જુદા વિસ્તારોમાંથી આવતું આ પાણી જે લાઈનમાંથી પસાર થાય છે તે 14 ફૂટ ઊંડી લાઈન છે અને પાલિકાએ નાની નાલીઓ બનાવી વચલો રસ્તો કાઢ્યો હતો. જેથી સમ્પમાં ધીમે ધીમે અને ઓછું પાણી પહોંચે છે. બીજી બાજુ વધારાનું પાણી કિડાણા ગામની સોસાયટીઓ અને તળાવમાં જતું હોવાથી ગામલોકોએ ગટરનું વહેણ બંધ કરી નાખ્યું હતું. જેથી પાછળ વધેલું ગટરનું પાણી ચેમ્બરો થકી બહાર આવી રહ્યું છે અને લોકોનાં ઘરોમાં ઘૂસી રહ્યું છે. આજે પણ આ પાણી ઉભરીને બહાર આવ્યું હતું અને રોટરી સર્કલ નજીક એસ.આર.સી.ના જૂના વરસાદી નાળામાં ભરાયું હતું. નાળામાં આ ગંદુ પાણી જોઈને સંકુલમાં ગટરનો વરસાદ થયો હોવાની ટીખળ લોકોએ કરી હતી. યુદ્ધના ધોરણે કરવાની આ કામગીરી 8-10 દિવસ થયા છતાં પાલિકા કે ખાનગી કંપની દ્વારા પૂર્ણ કરાતી નથી. જો આવું જ રહ્યું તો એક-બે દિવસમાં આદિપુરના અનેક વિસ્તારો ગટરનાં પાણીથી જળબંબાકાર થઈ જશે. હાલમાં જન્માષ્ટમીના પણ અનેક કાર્યક્રમો આયોજિત કરાયા છે ત્યારે આ કામગીરી જલ્દી આટોપી લેવાય તેવી માંગ લોકોએ કરી હતી. આ અંગે પાલિકાના ઈજનેર પ્રકાશ જુરાવતનો સંપર્ક કરતાં તેમણે કંપનીને જાણ કરી દીધી છે અને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે તેવું જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer