આજથી ભારતનું વર્લ્ડ ચેમ્પિયનશિપ મિશન

નોર્થ સાઉન્ડ (એન્ટીગ્વા), તા. 21 : ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ અહીં ગુરુવારથી વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં મેદાને પડીને કરશે. ત્યારે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય સમતોલ ઇલેવનના સંયોજન સાથે વિજયનું રહેશે. ભારત જો વેસ્ટ ઇન્ડિઝ સામેની આ ટેસ્ટ મેચ જીતશે તો કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીની 27મી જીત હશે અને તે પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લેશે. આ મેચમાં સદી કરવાથી કપ્તાનના રૂપમાં તે 19 ટેસ્ટ સદી સાથે ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગની પણ બરાબરી કરી લેશે. બે ટેસ્ટની શ્રેણીમાં પહેલી મેચ ભારતીય સમય અનુસાર ગુરુવારથી સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના રહેતા ભારતીય ટીમ કાગળ પર મજબૂત લાગી રહી છે. આમ છતાં જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળની કેરેબિયન ટીમને હળવાશથી ન લઇ શકાય. ઇંગ્લેન્ડ તેનો અનુભવ કરી ચૂકયું છે. જેને આ જ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની જીવંત પિચો પર 1-2થી પરાજય સહન કરવો પડયો હતો. એન્ટીગ્વાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરોને મદદગાર રહેશે. પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર સુકાની કોહલી ચાર વિશેષજ્ઞ બોલર સાથે ઉતરવાનું પસંદ કરશે. અહીં પાછલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 187 અને 132 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ભારતીય ઇલેજનમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરનું સંયોજન હશે. સ્પિનર તરીકે કુલદીપ અને અશ્વિનમાંથી એકને તક મળી શકે છે. અશ્વિન અનુભવ અને સારા બેટિંગને લીધે લગભગ પસંદ થશે.  જ્યારે ત્રણ ફાસ્ટ બોલરના રૂપમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી હશે. ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના હાલના રેકોર્ડને જોતાં ભારતની ઇલેવનમાં વધારાના એક બેટધરને મોકો મળી શકે છે. આથી રોહિત શર્મા અને અંજિકયા રહાણે મિડલઓર્ડરમાં જોવા મળી શકે છે. જો પાંચ બોલર સાથે ભારતીય ટીમ ઊતરવાનું પસંદ કરશે તો ઓલરાઉન્ડરના રૂપમાં રવીન્દ્ર જાડેજાને તક મળશે. ઓપનિંગમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં હનુમા વિહારી અને કેએલ રાહુલમાંથી એકની પસંદગી થશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે સાઇ હોપ, જોન કેંપબેલ, શિમરોન હેટમાયર જેવા પ્રતિભાશાળી બેટધર છે. અનુભવી ડેરેન બ્રાવો, રોસ્ટન ચેસ, ક્રેગ બ્રેથવેટ ભારતને સારી ટકકર આપવા સક્ષમ છે. ખાસ કરીને વિન્ડિઝની પેસ બેટરી મજબૂત છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer