ઈંગ્લેન્ડનો ઈરાદો શ્રેણી સરભર કરવાનો

લીડસ, તા. 21 : ઇન ફોર્મ કાંગારુ બેટ્સમેન સ્ટીવન સ્મિથની અનુપસ્થિતિમાં ગૃહ ટીમ ઇંગ્લેન્ડ પાસે એશિઝ સિરીઝમાં 1-1ની બરાબરી કરવાનો ગોલ્ડન ચાન્સ રહેશે. જો કે ઇંગ્લેન્ડની ટીમ ખુદ બેટિંગની સમસ્યામાંથી પસાર થઇ રહી છે. એશિઝ શ્રેણીમાં 126 રનની એવરેજથી રન કરનાર સ્ટીવન સ્મિથ ત્રીજી ટેસ્ટની બહાર થઇ ગયો છે. તેને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર ગરદન પર લાગ્યો હતો. સ્મિથની ગેરહાજરીથી ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપ નબળી પડી છે. કારણ કે પહેલી બે ટેસ્ટમાં સ્મિથ સિવાયના તમામ કાંગારુ બેટધરો ઇંગ્લેન્ડની પેસબેટરી સામે સંઘર્ષમાં જોવા મળ્યા છે. પાંચ મેચની એશિઝ શ્રેણીમાં હાલ ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. હેડિંગ્લેના મેદાન પર રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે. ત્રીજી ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કાંગારુ કોચ જસ્ટિન લેંગરે કહ્યું છે કે તેની ટીમ 18 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં એશિઝ જીતનારી પહેલી ટીમ બનવાના લક્ષ્યથી ડગવાની નથી. અમે અહીં ફકત જીતવા આવ્યા છીએ. ઇજા કરીને મુકાબલા જીતી શકાય નહીં. કોચ લેંગરે બાઉન્સરના જંગનો ઇન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે તેના બોલરો બાઉન્સર ફેંકવા જાણે છે. જો વિકેટ લેવામાં મદદ મળશે તો બાઉન્સરનો ઉપયોગ કરશું.  ઇંગ્લેન્ડની ટીમમાં અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઇ છે. આથી ઓસિ. બેટધરોની વધુ કસોટી થશે. વોર્નર અને બેનક્રોફટ વાપસી બાદ હજુ સફળ રહ્યા નથી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer