ભુજના સમરસ છાત્રાલયને સતાવતો સ્ટાફ ઘટનો પ્રશ્ન

ભુજ, તા. 21 : ગત નવા શૈક્ષણિક સત્રથી શહેરના કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરાયેલા દરેક સમાજના કન્યા-કુમાર માટેના સમરસ છાત્રાલયને સ્ટાફ ઘટનો પ્રશ્ન સતાવી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કચ્છ સહિત અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, આણંદ, જામનગર અને હિંમતનગરમાં દરેક સમાજના છાત્રો માટે શરૂ કરાયેલા સમરસ છાત્રાલયમાં હાલ સ્ટાફની ઘટ છે. શહેરમાં આવેલા આ છાત્રાલયમાં હાલ કન્યા અને કુમારના વિભાગ વચ્ચે માત્ર બે જણનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જ્યારે જરૂરિયાત છ જણની છે. આ અંગે કચ્છ જિલ્લા નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ અધિકારી વિનોદભાઈ રોહિતનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ એક વોર્ડન અને એક કલાર્કથી કામ ચલાવાઈ રહ્યું છે. જો કે આ સમસ્યા રાજ્યસ્તરે હોવાથી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમ આઉટસોર્સથી જગ્યા ભરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ છાત્રાલયમાં 68 જેટલા છાત્ર-છાત્રાઓની ભરતી થઈ છે. તેમ હજુ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેથી 150 જેટલી સંખ્યા થશે. આ છાત્રાલય શરૂ થવાથી અબડાસા અને લખપતના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો અટકયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer