કડોલ અભયારણ્યની જમીનો કબ્જે લેવાનો રસ્તો સાફ

ભુજ, તા. 21 : વાગડના કડોલ ગામની આસપાસના વિસ્તારમાં વરસો પહેલાં મીઠું પકવવા લીઝ ઉપર આપવામાં આવેલી 790 એકર જમીનો હકીકતમાં વન વિસ્તારની હદમાં આવતી હોવાથી થોડા સમય પહેલાં કલેક્ટરે 38 લીઝધારકોની લીઝ?રદ કર્યા બાદ મામલો વડી અદાલતમાં પહોંચતાં મનાઇ હુકમ કલેક્ટરના આદેશ સામે અપાયો હતો જે સ્ટે આજે ખુદ હાઇકોર્ટે ઉઠાવી લેતાં જમીનો કબ્જે કરવાનો રસ્તો સાફ થઇ ચૂક્યો છે. ભચાઉ તાલુકાના કડોલ તથા આસપાસમાં અભયારણ્ય વિસ્તાર હોવા છતાં જે તે વખતે લીઝ?ઉપર જમીનો આપવાની સત્તા નાયબ કલેક્ટર કક્ષાએ  હોવાથી 1991થી 2011 સુધી નમક ઉત્પાદન માટે અંજાર નાયબ કલેક્ટર દ્વારા લીઝ?મંજૂર કરવામાં આવી હતી. પરંતુ કચ્છના કલેક્ટર રેમ્યા મોહન પાસે કડોલ વિસ્તારમાં નમક ઉત્પાદનના નામે ગેરકાયદે જમીનો હડપ કરવામાં આવે છે અને ખુદ ગ્રામજનોએ પણ આ બાબતે વારંવાર ફરિયાદો કરી હતી. 1986માં અભયારણ્ય જાહેર થયા પછી આ વિસ્તારમાં અન્ય કોઇ પ્રવૃત્તિ ન થઇ શકે એ માટે પ્રતિબંધ હોવા છતાં મીઠું પકવવાની પ્રવૃત્તિ ચાલતી હતી. તમામ પાસાઓને જોતાં કલેક્ટરે ગયા વરસે 38 લીઝધારકોની લીઝ રદ કરવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. 1972ના પ્રાણી સંરક્ષણની વિવિધ?કલમોને ટાંકીને કલેક્ટરે ભાડાપટ્ટે અપાયેલી 38 પ્લોટધારકોની જમીનો પુન:?વનતંત્રને પરત કરવા આદેશ કર્યો હતો જેની સામે આ લીઝધારકો હાઇકોર્ટમાં ગયા  હતા. હાઇકોર્ટે આ આદેશ સામે મનાઇ?હુકમ આપ્યો હતો. પરંતુ આજે કલેક્ટર રેમ્યા મોહને સમર્થન આપતાં કહ્યું કે, હાઇકોર્ટે લીઝધારકોને આપેલો મનાઇ હુકમ ઉઠાવી લીધો હોવાનો હુકમ કરતાં હવે અભયારણ્ય વિસ્તારની આ 790 એકર જમીન સરકાર હસ્તક લઇ વનતંત્રને પરત કરી દેવામાં આવશે. હવે જો આ લીઝધારકો બિનઅધિકૃત રીતે જમીનો દબાણ કરીને બેઠા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌથી પહેલાં વીજજોડાણ કાપી હાઇકોર્ટના હુકમને ધ્યાને લઇ પ્લોટધારકો પાસેથી જમીન પરત લઇ લેવામાં આવશે તેવું ખુદ કલેક્ટરે કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer