મુંદરા બંદરે સી.એફ.એસ.ની ફરિયાદના મુદ્દે કસ્ટમ વિભાગે યોજેલી તપાસ

મુંદરા, તા. 21 : બંદર સ્થિત કાર્યરત સી.એફ.એસ. નિયમનું પાલન કરતું નથી, આયાત નિકાસકારોને પરેશાન કરે છે તેવી ગઇકાલે બહાર આવેલી વિગતો બાદ આજે કસ્ટમ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ત્રણે સી.એફ.એસ.નું ચેકિંગ કર્યું હતું. જ્યારે સ્થાનિક બ્રોકર એસોસિયેશન દ્વારા એડિશનલ કમિશનર અમરજીતસિંહને પત્ર લખી ફરિયાદ કરી છે. અહીંના ઓલ કાર્ગો હનીકોમ્બ અને સી.બર્ડ સી.એફ. એસ. વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ કસ્ટમ તંત્રના  બંને ડે. કમિશનરે અચાનક સ્થળ ઉપર ધસી જઇ ફરિયાદની ખરાઇ કરી હતી. નિકટના વર્તુળોના જણાવ્યા અનુસાર આવા સી.એફ.એસ.નું ક્ષેત્રફળ 12થી 16 એકરનું છે જેથી કન્ટેનર હેન્ડાલિંગ કેપેસિટી મહિને 3500થી 4500 છે, પરંતુ તેઓ 6500થી વધુનું કામ કરે છે, પરિણામે પ્રશ્નો ઊભા  થાય છે. કન્ટેનર લાઇનોએ પોતાના સી.એફ.એસ. ખોલ્યા છે. જેમકે સી.એમ. એ.સી.જી.નું હનીકોમ્બ સી.એફ.એસ. છે એવી રીતે ચાઇના શિપિંગ લાઇનનું ઓલ કાર્ગો અને પારેખ મરિન લાઇનનું સી. બર્ડ સી.એફ.એસ. છે. લાઇનર કંપનીઓ આ જ સી.એફ.એસ.માં કન્ટેનર કલીયર કરાવવાનો આગ્રહ રાખે છે. આયાતકાર ગમે તે સી.એફ. એસ.માં કન્ટેનર લઇ જઇ શકે છે. લાઇનો આયાતકારના મેઇલના જવાબ આપતી નથી. ત્યારબાદ રૂા. 1 લાખની ડિપોઝિટ પેપર બોન્ડ અને બીજા સી.એફ.એસ.માં લઈ જવાના રૂા. 4500થી 10 હજાર વસૂલવામાં આવશે તેવું શિપિંગ લાઇનરો આયાતકારને જણાવે છે. જે નિયમ વિરુદ્ધ હોવાનું સૂત્રો કહે છે. મોટા ભાગની શિપિંગ કન્ટેનર લાઇનો વિદેશી છે અને દેશમાં પોતાના સી.એફ.એસ. બનાવી મોનોપોલીવાળો બિઝનેસ કરે છે અને કરોડો રૂા.નું વિદેશી હૂંડિયામણ લઇ જાય છે. કન્ટેનર લાઇનની બ્રાન્ચ ઓફિસ ગાંધીધામ જ્યારે મેઇન બ્રાન્ચ ચેન્નાઇ, મુંબઇ અથવા દિલ્હી આવેલી છે. ઇ.ડી.ઓ.ના મુદ્દે તેઓ મનમાની કરે છે તેથી કસ્ટમ તંત્રે તેમના વિરુદ્ધ પગલાં લેવાં જોઇએ તેવી માંગ ઊઠી છે. નિકાસકારોને ડ્રો બેક અને જી.એસ.ટી.ના મુદ્દે પણ અસંતોષ છે. કરોડોનો બિઝનેસ કરતા કેટલાક ચોક્કસ સી.એફ.એસ.માં જવા-આવવાના પાકા રસ્તા પણ નથી છતાં કસ્ટમ તંત્રે તેને માન્યતા આપી છે. ટૂંકમાં મુંદરા બંદર ઉપર આયાત નિકાસકારો કામ કરવાની લાચારી અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer