ધોરડોમાં પોસ્ટ ઓફિસ નથી; 80 ટકા પાસે બીપીએલ કાર્ડ !

ભુજ, તા. 21 : જેણે માત્ર રાજ્ય કે દેશ જ નહીં; વિશ્વસ્તરે કચ્છને ઓળખ અપાવી છે એ કચ્છનાં સફેદ રણ અને આસપાસના વિસ્તારમાં અર્થતંત્ર પર શું અસર પડી છે તેનો કચ્છ યુનિવર્સિટીનાં અર્થશાત્ર?વિભાગની ગત શૈક્ષણિક વર્ષની સેમેસ્ટર-4ની વિદ્યાર્થિનીઓ દ્વારા એક સંશોધન પ્રોજેકટ હાથ ધરાયો હતો, જેમાં અનેક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. દસ છાત્રાઓ દ્વારા ધોરડો ગામનાં 50 ઘર તથા વેપારીઓને મળીને તૈયાર કરાયેલા સર્વેક્ષણમાં તારણ મળ્યું છે કે, સફેદ રણને વિકસાવવામાં સરકારનાં પ્રયાસો થકી ફોન, વીજળી, વાહન વ્યવહાર, બેંકિંગ અને ડિજિટલાઇઝેશન વધ્યું, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂકેલા ધોરડો ગામમાં એકેય પોસ્ટ ઓફિસ નથી. દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધી, પરંતુ સ્થાનિક મધ્યમવર્ગીય લોકો માટે અહીં રહેવું દુષ્કર છે. કારણ કે, ટેન્ટસિટીનાં ભાડાં મોંઘાં છે. બીજું, રણોત્સવ દરમ્યાન પ્રવાસીઓથી સતત ધમધમતા ધોરડોમાં 80 ટકા લોકો પાસે બીપીએલ કાર્ડ છે અને 70 ટકા લોકો દવાખાનામાં આ કાર્ડનો ઉપયોગ કરે છે, એટલે કે 80 ટકા લોકો ગરીબીરેખા નીચેના છે. સંશોધનનાં અર્થતંત્ર પરનાં તારણ મુજબ રસ્તા સહિતનો આંતર માળખાગત વિકાસ થયો છે, ગામનાં લોકોને પાણીવેરો પણ ભરવો પડતો નથી, ફોન-મોબાઇલ, એટીએમની સુવિધા સારી છે. ગામના 90 ટકા લોકોએ પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે, 25 ટકા જેવી મહિલાઓ સ્થાનિક ગ્રામ પંચાયતમાં ભાગ લે છે, પરંતુ પોસ્ટ ઓફિસ એકેય નથી. પ્રવાસનની અસર પર જોવામાં આવે તો રણોત્સવમાં 80 ટકા વાહનચાલકોની આવકમાં વધારો થયો છે, દુકાનોમાં વેચાણ અને વેપારીઓની આવક વધે છે, નજીકનાં ભીરંડિયારામાં 60 ટકા જેટલી દુકાનોમાં માવાનું વેચાણ વધે છે. જો કે, હજુ ગુજરાત બહાર સફેદ રણનો પ્રચાર વધારવાની જરૂર છે અને ટેન્ટસિટીનાં ભાડાં ઘટાડવાની આવશ્યકતા છે. બીજું, હસ્તકલા ઉદ્યોગ પરની અસરો ચકાસવામાં આવતાં જણાયું કે, વેપારીઓને ઉત્સવ દરમ્યાન 10થી 50 ટકાનો નફો વધે છે, વેપારીઓ ઓનલાઇન અને ચેકથી વ્યવહાર કરતા થયા છે, પરંતુ વેપારીઓ એવું સૂચન કરે છે કે, કારીગરોને પ્રોત્સાહન આપવા `શ્રેષ્ઠ કારીગર એવોર્ડ' જાહેર થવો જોઇએ. મહિલાઓની સ્થિતિ પરની પ્રશ્નાવલીમાં એવું બહાર આવ્યું છે કે, ધોરડોની 60 ટકા મહિલા સખી મંડળમાં જોડાયેલી છે. માત્ર 10 ટકા જ મહિલા એવી છે જેનો મેડિકલ વીમો છે, 90 ટકા મહિલા આરોગ્ય વીમા વિશે જાગૃત નથી, 70 ટકા મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે બીજા શહેર કે ગામમાં જવાની પરવાનગી મળે છે. જેમનાં માર્ગદર્શન તળે આ શોધ અભ્યાસ થયો એ યુનિ.માં અર્થશાત્ર વિભાગનાં વડા અને મુખ્ય સંશોધનકર્તા ડો. કલ્પના સતીજાએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું કે, સફેદ રણની શરૂઆત થઇ ત્યારથી આવા પ્રકારનું પહેલું સંશોધન હાથ ધરાયું હતું. જેમાં ધોરડો ગામ તથા આસપાસમાં થયેલી અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સર્વેમાં 50 ઘરમાં 50 પ્રશ્નો પુછાયા હતા, જેમાં વિસ્તારના લોકોનો આર્થિક વિકાસ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સરકારની નીતિ અને હસ્તકલાનો વિકાસ જેવા મુદ્દાને આવરી લેવાયા હતા. 300 પાનાના તૈયાર થયેલા પ્રોજેકટ સંબંધે સરકાર અને પ્રવાસન વિભાગ સાથે વાતચીત ચાલુ છે અને ભવિષ્યમાં નીતિ ઘડતરમાં આ સંશોધન મહત્ત્વનું બને તેમ હોવાથી તેને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ તેને પુસ્તકરૂપે રજૂ કરવાની તૈયારી પણ બતાવી છે. યુનિ.માં સ્થાપવામાં આવેલા `ડાયસ્પોરા ઓફ કચ્છ' રિસર્ચ સેન્ટર અંતર્ગત આવા અભ્યાસો હાથ ધરવામાં આવે છે અને યુનિ.માં વિદ્યાર્થીઓને મોટે ભાગે કચ્છ પર શોધ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અભ્યાસમાં સેમેસ્ટર-4ની વિદ્યાર્થિનીઓ ભાવિકા ગુજરિયા, હેતલ ગઢવી, શિવાની, મિતલ, રેશમા, તુલસી શાહ, રમીલા, નીલમ, રાજવી ગઢવી અને હેમલ હેડાઉ જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer