ભુજમાં સાતમ-આઠમ મેળા અન્વયે સંલગ્ન માર્ગો વાહનો માટે બંધ કરાયા

ભુજ, તા. 21 : શહેરમાં આગામી તા. 23/8થી 25/8 શીતળા સાતમ તથા જન્માષ્ટમી પ્રસંગે હમીરસર તળાવ પાસે દરવર્ષની જેમ મેળો યોજાશે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા તેમજ વાહનવ્યવહાર જાળવવાના હેતુસર વાહનવ્યવહાર નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ તા. 23/8થી તા. 25/8 સુધી મેળા સંબંધિત રસ્તા વાહનવ્યવહાર માટે સદંતર બંધ રાખવા જાહેરનામું જારી કર્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આવતા તમામ વાહનો મ્યુઝિયમ તરફ નહીં જઇ શકે, પરંતુ કોર્ટ સર્કલ પાસેથી જ્યુબિલી સર્કલ તરફ જઇ શકશે. ભુજ શહેરમાંથી મહાદેવ નાકા તરફ આવતા વાહનો હમીરસર તળાવ તરફ નહીં આવી શકે, પરંતુ જૂની મામલતદાર કચેરી પાસેથી જિલ્લા પંચાયત રોડ તરફ જઇ શકશે. જિલ્લા પંચાયત કચેરી તથા એસ.ટી. સ્ટેશન તરફથી આવતા વાહનો હમીરસર તળાવ તરફ આવી શકશે નહીં. પરંતુ જૂની મામલતદાર કચેરી રોડ તરફથી જઇ શકશે. પાટવાડી નાકા, શરદ બાગ તરફથી આવતા તમામ વાહનો ખેંગાર પાર્ક તરફથી ગાયત્રી મંદિર થઇ સંસ્કારનગર તરફ જતા માર્ગેથી જઇ આવી શકશે. પણ ખેંગારપાર્કથી આગળ  આવી શકશે નહીં. ઉમેદનગર કોલોની તરફથી આવતા વાહનો  રાજેન્દ્ર બાગ તરફ આવી શકશે નહીં. પરંતુ ગાયત્રી મંદિર રસ્તે પરત આવી જઇ શકશે. લેકવ્યૂ હોટેલ પાસે થઇ ઉમેદનગર તરફ જતો રોડ બંધ કરવાનો રહેશે. જાહેરનામાથી પોલીસ ખાતાના તથા અન્ય સરકારી ફરજ પરના વાહનો, પોલીસ અધીક્ષકના આદેશ અનુસાર કે સ્થળ પરના સહાયક અધીક્ષક દ્વારા અધિકૃત કરેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer