ગાંધીધામ અને આદિપુરના દરોડાઓની અસર ભુજમાં : `ગેસ્ટ'' સભ્યોને મનાઇ

ભુજ, તા. 21 : ગાંધીધામ અને આદિપુર ખાતે કાવેરી અને કોમન ક્લબ ઉપર પોલીસે કરેલી દરોડાની મોટી કાર્યવાહીની અસર આજે જિલ્લા મથક ભુજ ખાતે કાર્યરત ક્લબો ઉપર પણ જોવા મળી હતી. આ સ્થાનો ઉપર સભ્યની સાથે ગેસ્ટ તરીકે રમવા આવનારાને પ્રવેશ ન આપી પરત મોકલી દેવાયા હતા. તો આઠમ સુધી ગેસ્ટ નોટ એલાઉડ જાહેર કરી દેવાયું હતું. બીજીબાજુ યંત્રવેચાણના નામે એકના નવ રૂપિયા આપતી ચકલા-પોપટ જેવી રમતો ચલાવનારા પણ ગાંધીધામના દરોડાઓના પગલે આજે રફ્yચક્કર થઇ ગયા હતા. જાણવા મળેલી વિગતો અનુસાર મનોરંજનના નામે ગંજીપાના અને રમીની રમતો રમવા જ્યાં દરરોજ સારી એવી સંખ્યામાં સભ્યો એકત્ર થાય છે તેવી ભુજની કલબો ખાતેથી આજે સભ્યો સાથે ગેસ્ટ તરીકે આવેલાઓને  પરત મોકલી દેવાયા હતા. આગામી આઠમ સુધી હવે ગેસ્ટને પ્રવેશ નહીં અપાય તેવી જાણ પણ સંબંધિતોને કરી દેવાઇ હતી. પોલીસ આવી ક્લબોના સ્થળે આજે પહોંચ્યા પછી `ગેસ્ટ'ને  પાછા મોકલી દેવાયા હતા. બીજીબાજુ ભુજમાં યંત્રવેચાણના નામે કોમ્પ્યુટર ઉપર ડ્રો કરીને એકના નવ રૂપિયા આપવા જેવી ચાલતી ચકલા-પોપટ જેવી પ્રવૃતિ પણ આજે બંધ થઇ ગઇ હતી. ગાંધીધામમાં આ પ્રકારની પ્રવૃતિ ઉપર પોલીસે દરોડા પાડતાં તેની અસર સ્વરૂપે ભુજમાં નાગરચકલા, જનતાઘર, ભીડનાકા બહાર શકિત હોટલ નજીક અને સોનીવાડ તથા સહયોગનગર ઉપરાંત તાલુકાના માધાપર ગામે આવા હાટડા ચાલી રહ્યા હતા. જ્યાં અદાલતના આદેશથી આ પ્રવૃતિ કાયદેસરની હોવાના પાટિયા પણ મરાયેલા હતા. પણ ગાંધીધામ ખાતે આવી પ્રવૃતિનો પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કરતાં ભુજના આવા તમામ  હાટડાને તાળાં લાગી ગયાં હતાં અને સંચાલકો રફ્yચક્કર થઇ ગયા હતા તેવું બહાર આવ્યું છે. દરમ્યાન જાગૃત અને કાયદાને જાણનારા લોકોએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ પોલીસ જો ચકલાપોપટ જેવી યંત્રવેચાણવાળી આ પ્રવૃતિને ઝપટે લઇ શકતી હોય તો ભુજમાં દિવસો સુધી આ પ્રકારની પ્રવૃતિ કેમ ચાલી ગઇ અને કોઇની કેમ નજર ન પડી ?  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer