કોઠારામાં ચીલઝડપ અને ચોરી કરતી મનાતી ટોળકી જાગૃતો દ્વારા ઝડપાઇ

કોઠારા (તા. અબડાસા), તા. 21 : આ ગામના બસ સ્ટેશન પરથી મહિલાનું પાકીટ છીનવી લઇ જતી મહિલાને ગામના યુવાનોએ પકડયા બાદ તેના સાગરીતો સહિતની બાબતોનો પર્દાફાશ થયો હતો. કોઠારાના ભરચક એવા બસ સ્ટેશન પરથી આજે બપોરે કોઠારાની મહિલા વિંઝાણ જવા માટે છકડામાં બેઠી હતી ત્યારે અજાણી મહિલાએ આવીને પૂછ્યું કે આ છકડો ક્યાં જશે તેવામાં અચાનક મહિલાની પર્સ છીનવી અને ભાગવા લાગી હતી. મહિલાએ રાડારાડી કરતાં ગામના યુવાનોએ પીછો કરતાં તેને પકડી લીધી હતી. આ મહિલા જ્યાં પકડાઇ ત્યાં સામે એક ઇકો ગાડી પણ તેને લેવા માટે આવી હતી અને ગાડીમાં બેસવાની તૈયારી કરવા વચ્ચે કોઠારાના યુવાનો પ્રવીણસિંહ જે. સોઢા, હેમુભા સોઢા, સલીમ સુમરા, મુસ્તાક સમેજા વગેરે આ ગાડીને જવા ન આપતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઇકો ગાડીની અંદર અન્ય બે મહિલા અને બે પુરુષ પણ સામેલ હતા. જાણવા મળતી વિગતો મુજબ આ મહિલાઓ ગોંડલની છે તથા આ ઇકો ગાડી પણ ગોંડલની છે અને ભુજથી તેઓ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ગાડીમાં ત્રણ પર્સ તથા એક નવી સાંકળાની જોડી નવી (બિલ સાથે જે અન્યના નામે) છે વિગેરે મળ્યા હતા. ગામના યુવાનોએ આ બધાને કોઠારા પોલીસને બોલાવી મુદ્દામાલ સાથે પોલીસને હવાલે કર્યા હતા. આ બનાવ પહેલાં આ મહિલાઓ દેના બેંક પાસે જોવા મળી હોવાનું ગામલોકો કહી રહ્યા છે. હાલમાં તહેવારોની સિઝન હોતાં આ બનાવ બનતાં લોકોમાં ભય પેદા થયો હતો. આખો દિવસ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer