ભુજ સુધરાઇમાં `હરિરામ નાઇ'' જેમ ફરતારામોથી ખોરવાતી કામગીરી

ભુજ, તા. 21 : શહેર સુધરાઇ કચેરી અમુક ફરતારામો માટે નિરાંતની પળો માણવાનું સ્થળ હોય તેવો તાલ સર્જાયો છે.  હાલમાં ચારથી પાંચ જણ કોઇપણ જાતના કામ-કાજ વિના જ અલગ-અલગ શાખામાં લટાર મારતા અને બેઠક જમાવતા હોવાથી અમુક બ્રાન્ચ હેડ તથા કર્મચારીઓ ત્રસ્ત બન્યા છે.  અલબત, અમુક શોલે ફિલ્મના હરિરામ નાઇના પાત્ર હોય તેમ પત્રકારો ક્યાં કોને મળે છે, શું પૂછે છે, બ્રાન્ચ હેડ, કર્મચારીઓ કોને મળે છે સહિતની માહિતીઓ એકત્ર કરી તેમના આકા (અંગ્રેજ કે જમાને કે જેલર)ને પહોંચાડતા હોવાની વાત પણ કચેરીમાં ફેલાઇ છે. આ સમસ્યા ઉનાળાની સિઝનમાં વધી જતી હોય છે. એ.સી.ની ઠંડી હવા સાથોસાથ મફતના ચા-પાણી સહિતની મોજ માણવા કચેરી ખૂલતાં જ પહોંચી આવે છે.  ખાનગી વાતો, કચેરીના કામમાં અડચણરૂપ બનતા આવા લોકોને હરવા-ફરવા અન્ય સ્થળો હોવાનું ચોખ્ખું પરખાવનાર કોઇ ન હોવાથી ફરતારામોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે.  પ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી સહિતના દ્વારા આવા લોકોને કામ સિવાય બેસવા પર મનાઇ ફરમાવાય તેવી લાગણી કચેરીમાં ફેલાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer