ગાંધીધામ કારગો ઝૂંપડા વિસ્તારની પાયાની સુવિધા સુધારવા માગણી

ગાંધીધામ, તા. 21 : શહેરના કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના અભાવે રહેવાસીઓને ભોગવવી પડતી હાલાકી અંગે આર.પી.આઈ. દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુધરાઈના મુખ્ય અધિકારીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે આ વિસ્તારના રહેવાસીઓ લાંબા અરસાથી  ગટર, રોડ સહિતની માળખાકીય સુવિધાઓના અભાવથી ભારે મુશકેલી અનુભવી રહ્યા છે. હાલ વરસાદની મોસમમાં ઠેર ઠેર કાદવ કીચડ થતાં રોડ સુધી આવવા જવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી ન હોવાના કારણે ગંદકીના કારણે ઝેરી જીવ જંતુઓનો ઉપદ્રવ વ્યાપક બન્યો છે. જેના કારણે રહેવાસીઓનું આરોગ્ય જોખમાયું છે. આ પરિસ્થિતિ નિવારવા પાયાની સુવિધાઓ વિકસાવવા માટે ત્વરિત કાર્યવાહી કરવા પત્રમાં બાબુલાલ અમરશી વાઘેલાએ રજૂઆત કરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer