ગાંધીધામના ડીપીટી સુવર્ણ જયંતી બગીચાઓની હાલત દયનીય !

ગાંધીધામ, તા. 21 : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામમાં શક્તિનગર અને સપનાનગર ખાતે બનાવવામાં આવેલા બગીચાઓની થયેલી દુર્દશા અંગે યોગ્ય કાર્યવાહી કરવા પોર્ટના લેબર ટ્રસ્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. લેબર ટ્રસ્ટી મનોહર એલ. બેલાણીએ પોર્ટના ચીફ ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે પોર્ટ દ્વારા સુવર્ણ  જયંતી અંતર્ગત સપનાનગર અને શક્તિનગર ખાતે બે બગીચા બનાવવામાં આવ્યા હતા. યોગ્ય જાળવણીના અભાવે બગીચાઓની હાલત  બદથી બદતર છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ પગલાં લેવાયાં ન હોવાનું પત્રમાં જણાવાયું છે.  શહેરીજનોની સુખાકારી માટે બનાવાયેલા બગીચાઓની જાળવણી ન થતાં પ્રશાસન દ્વારા જે હેતુથી બગીચાઓનું નિર્માણ કરાયું હતું તે હેતુ સિદ્ધ નથી થતો. સપનાનગર અને શક્તિનગર વિસ્તારમાં મોટા ભાગે પોર્ટના કર્મચારીઓ જ વસવાટ કરે છે.  બંદર પ્રશાસન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે કામ કરાય છે પરંતુ પોર્ટ દ્વારા બનાવાયેલા બગીચાઓની  યોગ્ય જાળવણી નથી થતી તે બાબત દુ:ખદ હોવાનું પત્રમાં જણાવાયું છે. આ માટે નીમવામાં આવેલા કોન્ટ્રાકટર દ્વારા જાળવણીની યોગ્ય કાર્યવાહી ન કરાતાં બગીચાઓની હાલત દિન-પ્રતિદિન બગડતી જાય છે. રહેવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકે તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer