ખોડલધામ કચ્છ ચોવીસી ગામોમાં જાહેર સભાઓ યોજશે

ખોડલધામ કચ્છ ચોવીસી ગામોમાં જાહેર સભાઓ યોજશે
કેરા (તા. ભુજ), તા. 20 : છેલ્લા કેટલાક સમયથી ચોવીસીના લેવા પટેલોને શોષવા બની રહેલા ઉપરાઉપરી બનાવો સામે ધરી રચવા ચોવીસીના દરેક ગામમાં ખોડલધામ સંગઠક   બેઠકો અને મોટા ગામોમાં જાહેર સભાઓ યોજી જાગૃતિ ફેલાવશે. તાજેતરમાં ભુજ સમાજ સાથેની બેઠકમાં કાગવડ ખાતે નિર્ણય-સંકલ્પ લેવાયો હતો. ધ્વજાઆરોહણ વિધિમાં ભુજ સમાજ જોડાયો હતો. એટ્રોસિટીના બનાવો અને ધમકીઓમાં ઉછાળો, છેતરપિંડીના બનાવોમાં તંત્ર અને ખાસ કરીને પોલીસ દ્વારા એકતરફી શોષણની રીતિ, આર્થિક દોહન માટે સત્તાનો દુરુપયોગ કરતી નોકરશાહી-અધિકારીવર્ગ દ્વારા હાવી થવાના પ્રયાસો, લગ્ન સંબંધી પ્રશ્નો, ગુનાઓ અને નિરાકરણ, સ્થાવર અને જંગમ મિલકત સંબંધી ઉચાપતના બનાવો, મહિલાઓ સંબંધી પ્રશ્નો તેમજ રાજકીય ન્યાયની માંગ સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સમગ્ર સૌરાષ્ટ્રના લેવા પટેલ પ્રતિનિધિઓ સાથે કચ્છ ચોવીસીમાં બેઠકો કરશે, લોકોના પ્રશ્નો સાંભળશે. લેવા પટેલોને એક છત્રે લાવી સંગઠનની તાકાત ઊભી કરવાના પ્રયાસ કરાશે. તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજ-ભુજના વરિષ્ઠ સભ્યો પૈકી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયા, સમાજના પૂર્વ મંત્રી રામજી સેંઘાણી, યુવક સંઘના પૂર્વ મંત્રી વસંત પટેલ સાથે ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.  સુખપર, માનકૂવા, માધાપર જેવા મોટા ગામોમાં જાહેર સભાઓ જ્યારે નાના ગામોમાં પોકેટ મીટિંગો દ્વારા સંગઠન ઊભું કરાશે. લેવા પટેલોના રાજકીય નેતાઓ, ભાજપ અને કોંગ્રેસના લેવા પાટીદાર નેતૃત્વને સામાજિક ન્યાય માટે સક્રિય કરાશે તેમજ ભુજમાં લેવા પટેલ સમાજ દ્વારા નાત-જાતના ભેદરહિત સાર્વજનિક સેવા માટે સર્જાનારી કિડની, કાર્ડિયાક, કેન્સર હોસ્પિટલમાં ઉપકરણો ઉપલબ્ધ કરાવવા ખોડલધામ માધ્યમ બનશે, તેવી ખાતરી ગુજરાતની માતબર સંસ્થાએ આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer