12મીએ શિપિંગમંત્રીની હાજરીમાં સેમિનાર

12મીએ શિપિંગમંત્રીની હાજરીમાં સેમિનાર
ગાંધીધામ,તા. 20: દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરીય વિસ્તારમાં આકાર લઈ રહેલા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ પોર્ટ સિટી (એસ.આઈ.પી.સી.) સંદર્ભે ખુદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  અંગત રસ લેતાં તેને પાર પાડવા  પ્રયાસોને તેજ બનાવાયા છે. આગામી 12મી સપ્ટેમ્બરે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખભાઈ માંડવિયા આ સંદર્ભે અહીં આવી રહ્યા છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી)ના અધ્યક્ષ એસ.કે.મેહતાએ જણાવ્યું હતું કે રાજ્યમંત્રી સાથે અહીં એક સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં ફર્નિચર પાર્ક ઉપરાંત અન્ય ઉદ્યોગો સ્થાપવા ઈચ્છુકોને સંપૂર્ણ માહિતી અપાશે અને તેમના વિચારો, જરૂરિયાતોની વિગતો મેળવાશે. વિદેશી કંપનીઓ અહીં આવે અને ઉદ્યોગો સ્થાપે તેના બદલે સ્થાનિક ઉદ્યોગપતિઓ કે પછી ભારતીય કંપનીઓ એસ.આઈ.પી.સી.માં આવે તેવા પ્રયાસ પ્રશાસનના છે. એ માટે અધ્યક્ષ જાતે ઉદ્યોગકારો સાથે બેઠકો યોજી રહ્યા છે. થોડા દિવસો પહેલાં નવી દિલ્હી ખાતે ડીપીટી અધ્યક્ષે રાજ્યમંત્રી તથા શિપિંગ મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ સમક્ષ એસ.આઈ.પી.સી. અંગે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. દરમ્યાન સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડીપીટી અધ્યક્ષે આજે સવારે કંડલા ટિમ્બર એસોસીએશનના હોદેદારો સાથે ફર્નિચર પાર્ક સંદર્ભે બેઠક યોજી હતી અને ત્યાં ઉદ્યોગ સ્થાપવા તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. દેશની કુલ ટિમ્બર આયાતનો 70 ટકાથી વધુ હિસ્સો કંડલા બંદરે આવી રહ્યો છે ત્યારે બંદર નજીક ફર્નિચરનું ઉત્પાદન થાય તો આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ થાય તથા વિકાસને વેગ મળી શકે. આ બેઠકમાં ડીપીટી અધ્યક્ષે ટિમ્બર ઉદ્યોગકારો સમક્ષ ફર્નિચર પાર્કની રૂપરેખા રજૂ કરી હતી.  ફર્નિચર પાર્ક માટે એસ.આઈ.પી.સીમાં અંદાજે 600 એકર જેટલી જમીન ઉપલબ્ધ કરાવાશે. જે માટે રૂ.3 હજાર પ્રતિ એકર ભાવ રાખવામાં આવ્યો હોવાની માહિતી પ્રશાસને આપી હતી. ઉદ્યોગકારોએ આ ભાવ વધુ હોવાનું જણાવી તેમાં ફેરફાર કરવા અનુરોધ કર્યો હતે. પ્રશાસન દ્વારા જમીનની લીઝનો સમયગાળો 60 વર્ષનો રાખવામાં આવ્યો હોવાની માહિતી ઉદ્યોગકારોને અપાઈ હતી. વડાપ્રધાનના આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પમાં કંડલા કોમ્પલેક્ષના સ્થાનિક ઉદ્યોગકારો ઉપરાંત દેશભરના ઉદ્યોગકારો ફર્નિચર પાર્કમાં રોકાણ કરે તે દિશામાં સહયોગ આપવા ટિમ્બર ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. પ્રશાસનની અપીલના પગલે કંડલા ટિમ્બર એસોસીએશન દ્વારા આગામી તા.12ના યોજાનારા સેમિનારમાં દેશભરના ટિમ્બર ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવશે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer