ભુજ-ભચાઉ હાઈવે પરની ત્રણ ગેરકાયદે હોટલ પર બુલડોઝર ફરી વળ્યું

ભુજ-ભચાઉ હાઈવે પરની ત્રણ ગેરકાયદે હોટલ પર બુલડોઝર ફરી વળ્યું
નવી દુધઈ, તા. 20 : ભુજ-ભચાઉ હાઈવે પર આવેલાં હોટલરૂપી ત્રણ જમીન દબાણો પર આજે વહીવટી તંત્રે લાલઆંખ કરતાં ત્રણે હાઈવે હોટલ પર બુલડોઝર ફરી વળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વારંવાર નોટિસ આપવા છતાં પણ દબાણો દૂર નહીં કરાતાં અંતે કલેક્ટરના હુકમથી મહેસૂલી તંત્ર, પી.ડબલ્યુ.ડી. અને પોલીસ દળે સાથે મળીને આજે બપોરે હાઈવે પરની અલ્લારખા હોટલ-1, અલ્લારખા હોટલ-2 અને મોગલ રેસ્ટોરેન્ટ એમ આ ત્રણ હોટલ તોડી પાડી હતી. સ્થળ પર 46 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, દુધઈ હાઈવે પર દબાણકારોએ માઝા મૂકી હતી. વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. વળી તાજેતરમાં જ અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોટલ પાસે જ 3થી 4 જીવલેણ અકસ્માતો સર્જાયા હતા. આજનાં ઓપરેશનથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી વખતે ચાના રસિયાઓનું ટોળું એકત્ર થયું હતું. છેલ્લા ઘણા સમયથી દબાણો વધી રહ્યાં છે, અગાઉ બી.કે.ટી. કંપની પાસે પણ દબાણ થતાં સત્તાવાળાઓએ તોડી પાડયાં હતાં. આજની આ કાર્યવાહીમાં ડે. કલેક્ટર શ્રી જોષી, મામલતદાર શ્રી રાજગોર, પી.ડબલ્યુ.ડી.ના ના.કા.ઈ. એમ.જી. આસનાણી, અંજારના સી.પી.આઈ. વી.એસ. ઝાલા, ડી.વી. પરમાર, કે.વી. લાડોડ, એ.બી. ચૌધરી હાજર રહ્યા હતા.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer