ગળપાદર જેલમાં બંદીવાનોની વહેલી મુક્તિ અર્થે બહેનોના આશીર્વાદ

ગળપાદર જેલમાં બંદીવાનોની વહેલી મુક્તિ અર્થે બહેનોના આશીર્વાદ
ગાંધીધામ, તા. 20 : તાલુકાના ગળપાદર ખાતે આવેલી જિલ્લા જેલ ખાતે સ્વાતંત્ર્ય દિન અને ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનના કાર્યક્મ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરંભમાં  સવારે ધ્વજ વંદન કરી સૌ બંદીવાન ભાઈઓ સાથે રાષ્ટ્રીય પર્વની ઉમંગે ઉજવણી કરવામાં આવી હતી.  બાદમાં સવારે 9.30થી બપોરે 2.30 વાગ્યા સુધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.  બંદીવાન ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. આ વેળાએ જેલ  પરિસરમાં ભાવુક માહોલ સર્જાયો હતો. બહેનોએ વહેલી જેલ મુક્તિના ભાઈઓને આશીર્વાદ આપ્યા હતા.  બાદમાં બપોરે 3.30થી સાંજે 6.30 વાગ્યા સુધી દેશ ભક્તિના ગીતોના કાર્યક્રમ `એક શામ શહીદો કે નામ' સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગળપાદર ગ્રામ પંચાયત અને પડાણા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ  વેળાએ જેલ પરિસરમાં દેશભક્તિથી તરબોળ વાતાવરણ સર્જાયું હતું. આદિપુર રોટરી કલબના હરીશ કલ્યાણી, પ્રિયા બોન્ડે, બ્રહ્માકુમારીના સંગીતા દીદી, હરપાલસિંહ, ગળપાદરના સરપંચ સામજી ભાઈ,  સરપંચ સંગઠનના પ્રમુખ  વિક્રમસિંહ, ધનજીભાઈ, હાજી જુમા રાયમા, સુકરભાઈ, ગની ભાઈ, નાસીર ખાન, શાહનવાજ શેખ વગેરે સહયોગી બન્યા હતા. જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ એમ.કે.જાડેજા, જેલર એમ.એમ.ચૌહાણ,  સુબેદાર એમ.જે.ચૌહાણ, સિપાહી રધનાથ, લખનપ્રતાપસિંહ, ધુળાભાઈ,  તખતસિંહ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer