રામવાવ પાસે પોલીસે ફિલ્મી ઢબે કારમાંથી દારૂ સાથે શખ્સને ઝડપ્યો

રામવાવ પાસે પોલીસે ફિલ્મી ઢબે કારમાંથી દારૂ સાથે શખ્સને ઝડપ્યો
ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાના રામવાવ અને ખેંગારપર ગામ વચ્ચેથી એક કારમાંથી પોલીસે રૂા. 53,900ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. બીજી બાજુ અંજાર તાલુકાના ભીમાસર (સહારાગ્રામ) નજીકથી રૂા. 25,200ના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં પોલીસ શ્રાવણિયા જુગાર અંગે દરોડા પાડી અનેક ખેલીઓને પાંજરે પૂરી  રહી છે તેવામાં દારૂ અંગેના બે દરોડાથી બુટલેગરોમાં સોપો પડી ગયો હતો. રાપરના રામવાવ અને ખેંગારપર વચ્ચે ખેંગારપર વણોઇ અલગ પડતા રોડ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે દારૂ પકડી પાડયો હતો. પોલીસે પૂર્વ બાતમીના આધારે ખડતરાવાંઢ ત્રંબૌ ગામ પાસે રોડ ઉપર વોચમાં હતી. દરમ્યાન બાતમીવાળી સફેદ રંગની આઇ-10 ગાડી નંબર જી.જે. 12-ડી. જી.-7238વાળી આવતાં પોલીસે તેને રોકાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેના ચાલકે ગાડીને રામવાવ બાજુ ભગાડી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં આ કાર વજેપર ગામ થઇ રામવાવ ગામની ચોકડી પાસેથી ખેંગારપર તરફ આગળ વધી હતી અને ખેંગારપર વણોઇ રોડ નજીક આવેલા વોકળા પાસે પલટી ગઇ હતી. જેમાંથી અંજારનાં મહાવીરસિંહ કેશુભા જાડેજાને બહાર કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કારમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 76 બોટલ તથા પાર્ટી સ્પેશિયલની 750 એમ. એલ.ની 78 બોટલ એમ 154 બોટલ કિંમત રૂા. 53,900નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આ શખ્સની કડક પૂછપરછ હાથ ધરાતાં દારૂનો આ જથ્થો પોતે પ્રાગપુરના શૈલેશ રાઘુ કોળી પાસેથી લઇ આવ્યો હોવાની કેફિયત આપી હતી. બીજી બાજુ ભીમાસર (સહારા ગ્રામ)ના રમેશ આહીરની વાડીના શેઢે આવેલા વોકળાના કાંઠે પોલીસે દરોડો પાડયો હતો. અહીં દારૂનું વેચાણ કરતા ગામના જ સંદિપ નારાણ ખાટરિયા (આહીર) અને મહાવીર શામજી કોળી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. અહી દારૂનું વેચાણ કરતા આ શખ્સો પાસેથી 750 એમ.એલ.ની 72 બોટલ કિંમત રૂા. 25,200નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સો કયાંથી દારૂ લઇ આવ્યા હતા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer