ભુજની ત્રણ માતબર પેઢી `કાચી પડી''

ભુજ, તા. 20 : વૈશ્વિક મંદીનું મોજું, તાજેતરમાં સંપન્ન ક્રિકેટ વિશ્વકપમાં રમાયેલો સટ્ટો અને શેરબજારની અકલ્પનીય ઊથલપાથલની સીધી અસર હવે બજાર પર પણ દેખાઈ રહી હોય તેમ ગણતરીના દિવસોમાં જ ભુજની બજારમાં બેસતી ત્રણ માતબર પેઢીઓએ ઉઠમણું કર્યાની ચર્ચા જાગી છે અને એ ચર્ચાને `ગુમ' થઈને પુષ્ટિ પણ અપાઈ રહી છે. એક જ મહિનાના ટૂંકા ગાળામાં જાણે મંદીએ પોતાનો સકંજો વધુ જકડયો હોય તેમ ભુજની ભરબજારે મસમોટી રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન એકાએક કરમાવા અને માલિક શરમાવા લાગ્યા છે. ક્રિકેટના સટ્ટાની આદત હોય કે પછી કોઈ મહત્ત્વની જમીનમાં કરેલું આંધળું રોકાણ હોય પણ કંઈક નડયું છે અને હવે એ નડતર થકી જ નથી કોઈના ફોન રિસિવ થતા કે નથી કોઈને મોઢું બતાવાતું.સમાજમાં ઉજળિયાત વર્ગનો દરજ્જો ધરાવતી અને તૈયાર વત્રો, મિનરલ વોટર તથા જથ્થાબંધના કારોબારીઓની આ પેઢીઓ પૈકી એક જણે તો પોતાના લેણદારો સમક્ષ હાથ ઊંચા કરી `નાદારી' જાહેર કરી દીધી છે. વ્યવહારો મોટાભાગના બેનંબરી અને વાયદાના હોવાથી હવે રકમ ગુમાવનારા પણ ગુસ્સો કર્યા સિવાય કંઈ જ કરી શકતા નથી. આ ત્રણેય પ્રતિષ્ઠિત ધંધાર્થીઓની યુવાપેઢીમાં સટ્ટાનો ચસકો લાંબા સમયથી ચર્ચાની એરણે ચડેલો છે અને ચર્ચા તો એટલે સુધી છે કે આવનારા થોડાક જ સમયમાં વધુ પેઢીઓ, વ્યક્તિઓ કે પ્રતિષ્ઠાનો પણ આર્થિક રીતે ભાંગે કે ભાગે તેવી સ્થિતિ છે. મંદીનું મોજું એક વિષચક્રની જેમ આગળ ધપતું દેખાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer