ભુજમાં ઊડતા ડ્રોને લોકોમાં કૌતુક સર્જ્યું

ભુજ, તા. 20 : શહેરમાં આજે બપોર બાદ રાત સુધી વિવિધ સ્થળોએ ઊડતા ડ્રોને લોકોમાં કૌતુક સાથે ચર્ચાનું વાતાવરણ સર્જ્યું હતું. કાશ્મીરમાં 370ની કલમ દૂર થયા બાદ ભારત અને પાકિસ્તાનના બગડેલા સંબંધથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે અને સરહદી વિસ્તારમાં નાપાક છમકલાઓને અંજામ આપવા મથી રહ્યાના પણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે કચ્છના સરહદી વિસ્તારને હાઇ એલર્ટ  કરી દેતાં માર્ગો પરની વિવિધ ચેકપોસ્ટો પર તપાસ ચાલી રહી છે તે વચ્ચે આજે શહેરમાં આ ઊડતા ડ્રોને કૌતુક સર્જ્યું છે. રાત્રે ઊડતા આ ડ્રોનમાં લાઇટો પણ હતી. બેથી ત્રણ માળ ઊંચે ઊડતા આ ડ્રોનને અનેકે નરી આંખે જોયો હતો અને અમુકે પોતાના હાથવગા મોબાઇલમાં વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં ક્લિપ વહેતી પણ કરી હતી. આ બાબતે અખબારમાં ફોન કરી વિગતો જાણવા લોકોએ તાલાવેલી દર્શાવી હતી. હાલ આ વિસ્તાર હાઇ એલર્ટ પર છે ત્યારે  સુરક્ષાની દૃષ્ટિએ આ ડ્રોન ઊડતું હોવાનું સમજાઇ રહ્યું?છે, પરંતુ આ અંગે કોઇ સુરક્ષા એજન્સીએ ફોડ પાડયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ કોઇપણ જાતના ડ્રોન ઉડાડવા પર પાબંદી લગાવતું જાહેરનામું બહાર પડયું હોવાથી આ બાબતે લોકોમાં તર્ક-વિતર્ક સર્જાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer