બેકારીથી ત્રસ્ત બની કોટડા ચકાર ગામના યુવાને ફાંસો ખાઇને જીવ દીધો

ભુજ, તા. 20 : તાલુકાનાં કોટડા (ચકાર) ગામના અનિલ પ્રેમજી મહેશ્વરી (ઉ.વ. 23) નામના યુવકે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજી બાજુ તાલુકામાં જ કેરા ગામે દાઝી ગયેલા પતિ-પત્ની પૈકી પત્ની સુનીતાબેન પ્રવીણ ગાજરિયા (ઉ.વ.23)નો જીવનદીપ બુઝાયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોટડા (ચકાર) ગામના અનિલ મહેશ્વરીએ તાલુકાનાં નારાણપર (રાવરી) ગામે મહેશ્વરીવાસ વિસ્તારમાં ગણેશ મંદિર પાસે ગળેફાંસો આજે સવારે ખાઇ લીધો હતો. આ હતભાગીને ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે તેને મૃત જાહેર કરાયો હતો. મરનારના પિતા પ્રેમજી કરસને પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ અનિલ નોકરી અને ધંધો ન હોવાના કારણે બેકારીની હાલત ભોગવી રહ્યો હતો. તેણે પોતાની આ સ્થિતિથી કંટાળીને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.  જ્યારે કેરા ગામે ગજોડ રોડ નીચલો વાસ ખાતે પોતાના ઘરમાં ગઇકાલે ઢળતી બપોરે સુનીતાબેન ગાજરિયા નામની પરિણીત યુવતી દાઝી ગઇ હતી. તેને બચાવવા જતાં તેનો પતિ પ્રવીણ પ્રેમજી પણ દાઝી ગયો હતો. આ બન્નેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જતી વેળાએ સુનીતાબેને દમ તોડયો હતો. માનકૂવા પોલીસે આ બન્ને કિસ્સામાં અકસ્માત મોતના ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer